રાજકોટના ગોંડલના આવાસ ક્વાર્ટર અને સિવિલ હોસ્પિટલ સામે નદીના પટ્ટ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે અને પ્રોહિબિશન (દારૂબંધી)ના 5 કેસ અને જાહેરનામા ભંગના 3 કેસ નોંધાયા છે, કુલ 7 વાહનો ડિટેઈન કરી રૂ. 2900નો દંડ વસૂલવામાં આવ્યો છે, રેન્જ IG નિર્લિપ્ત રાય અને SP વિજયસિંહ ગુર્જરની સૂચનાથી DYSP કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ ઓપરેશન પાર પડાયું.

[[$googlead]]

આગામી દિવસોમાં પણ ડ્રાઈવ ચાલુ રહેવાના સંકેત

રાજકોટ રેન્જના નવનિયુક્ત આઈજી નિર્લિપ્ત રાય ચાર્જ સંભાળતાની સાથે જ પૂરા એક્શન મોડમાં આવી ગયા છે. રેન્જના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ, તેઓ મોડી રાત્રે સીધા જ ગોંડલ શહેરના બી.ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયા હતા. આ ઓચિંતી મુલાકાતે સ્થાનિક પોલીસ તંત્રમાં દોડધામ મચાવી દીધી હતી.તેમણે ગોંડલ ખાતે પોલીસદળને નિષ્ઠાથી ફરજ બજાવવા અને રાજકીય ભલામણોથી દુર રહેવા ગર્ભિત ચીમકી આપી હતી, નિર્લિપ્ત રાય રાજકોટ રેન્જમાં વ્યાપેલી ગુનાખોરી દુર કરવાના મિશન સાથે જ મુકાયા હોય તેવું માનવામાં આવે છે ત્યારે હવે તે બાહુબલીઓ સામે કેવી નિર્ભિક રીતે એક્શન લે છે તેના પર સૌની નજર છે.

આઈજીની કડક વલણ અને પ્રશ્નોત્તરીએ પોલીસ અધિકારીઓમાં પરસેવો પાડી દીધો હોવાની ચર્ચા

નિર્લિપ્ત રાય દ્વારા ગોંડલ એ.ડિવિઝન પોલીસ મથક, તાલુકા પોલીસ મથક અને સુલતાનપુર પોલીસ મથકની પણ મુલાકાત લીધી હતી. તમામ પોલીસ મથકોમાં શું કાર્યવાહી થઈ રહી છે તેની ઝીણવટભરી વિગતો મંગાવી હતી. તેમણે પોલીસ મથકના સ્ટાફને રૂબરૂ મળીને તમામ સ્ટાફ્નો 'રોલ કોલ' પણ લીધો હતો. આ મુલાકાત દરમિયાન એસપી વિજયસિંહ ગુર્જર, રાજકોટ ગ્રામ્ય પોલીસના ડીવાયએસપી, એલસીબી, એસઓજીની ટીમ ઉપરાંત ડિવિઝનનો તમામ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. આઈજીની કડક વલણ અને પ્રશ્નોત્તરીએ પોલીસ અધિકારીઓમાં પરસેવો પાડી દીધો હોવાની ચર્ચા છે.

'સાઈલેન્ટ' પોસ્ટ હવે 'એક્ટિવ' બનશે

સામાન્ય રીતે રેન્જ આઈ.જી. પાંચ જિલ્લાના એસ.પી. (SP) ને માત્ર માર્ગદર્શન આપતા હોય છે અને ફિલ્ડ પર બહુ દેખાતા નથી. પરંતુ નિર્લિપ્ત રાય પોતાની કડક છાપ અને ‘હેન્ડ્સ-ઓન' એપ્રોચ માટે જાણીતા છે. અમરેલીમાં એસ.પી. તરીકે અને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ના વડા તરીકે તેમણે જે રીતે બુટલેગરો અને ભૂમાફિયાઓના નેટવર્ક તોડયા છે. તે જોતા હવે રેન્જ આઈ.જી.ની ઓફિસ માત્ર વહીવટી કેન્દ્ર નહીં પણ 'ક્રાઈમ કંટ્રોલ'નું મુખ્ય મથક બનશે તેવી ગણતરી છે.

રાજકોટ પોલીસ રેન્જ હેઠળ આવતા પાંચ જિલ્લાઓ
રાજકોટ પોલીસ રેન્જનું કાર્યક્ષેત્ર સૌરાષ્ટ્રના ભૌગોલિક અને વહીવટી દૃષ્ટિએ અત્યંત મહત્વના એવા પાંય જિલ્લાઓ સુધી વિસ્તરેલું છે. આ રેન્જમાં રાજકોટ ગ્રામ્ય, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાવેશ થાય છે. વહીવટી માળખા મુજબ, આ પાંચેય જિલ્લાના પોલીસ વડા (SP) સીધા રાજકોટ રેન્જ આઈ.જી. (IGP) ના માર્ગદર્શન અને નિયંત્રણ હેઠળ કામ કરે છે. અહીં એ નોંધવું જરૂરી છે કે રાજકોટ શહેરનો વિસ્તાર આ રેન્જમાં આવતો નથી, કારણ કે ત્યાં સ્વતંત્ર પોલીસ કમિશનરેટ કાર્યરત છે. આ પાંચ જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી, ગુના નિયંત્રણ અને ખાસ કરીને દરિયાકાંઠાની સુરક્ષા તેમજ ઔધોગિક વિસ્તારોમાં શાંતિ જાળવવાની મુખ્ય જવાબદારી રાજકોટ રેન્જ આઈ.જી. હસ્તક રહે છે.


  • Follow us on: