હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને વડોદરા, રાજકોટ, બનાસકાંઠા, બોટાદ, ભાવનગર, કચ્છ, અમરેલી, સુરેન્દ્રનગર, સુરતમાં પણ યલો એલર્ટ સાથે હિટવેવની આગાહી કરવામાં આવી છે. ઉત્તર પૂર્વના ગરમ પવનો ફૂંકાતા રાજ્યમાં હિટવેવની અસર વર્તાશે. રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રી નોંધાયું છે. રાજ્યના આઠ જિલ્લામાં 39 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. અમદાવાદ, વડોદરા અને ડીસામાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
માર્ચની શરૂઆતમાં જ આકરો તાપ શરૂ થયો
રાજકોટમાં ગરમીનો પારો 39 ડિગ્રીએ પહોંચ્યો છે. માર્ચની શરૂઆતમાં જ આકરો તાપ શરૂ થયો છે. ગરમીને લીધે રાજકોટના રસ્તા ખાલીખમ જોવા મળી રહ્યાં છે. શહેરમાં કોરોનાના લોક ડાઉન જેવો માહોલ સર્જાયો છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણાના સહારે જોવા મળી રહ્યાં છે. સુરતમાં પણ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. સુરતમાં તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોંચ્યો છે. લોકોએ ભર બપોરે બહાર નીકળવાનું ટાળ્યું છે.
