રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ પર નિર્માણાધીન બ્રિજનો એક મોટો હિસ્સો ધરાશાયી થવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. છેલ્લા ત્રણ મહિનાથી MMK કન્સ્ટ્રક્શન કંપની દ્વારા આ બ્રિજની કામગીરી કરવામાં આવી રહી હતી, પરંતુ ગતરોજ સ્લેબ ભરતી વખતે અચાનક વચ્ચેનો ગાળો બેસી ગયો હતો. આ ઘટના સમયે કોઈ શ્રમિક નીચે હાજર ન હોવાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. જોકે, સ્થાનિકો અને પ્રત્યક્ષદર્શીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે બ્રિજના નિર્માણમાં અત્યંત નબળી ગુણવત્તાના સિમેન્ટ, કોંક્રિટ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે.

બ્રિજ કાંડ

બીજી તરફ, આ મામલે વિવાદ વધતા કોન્ટ્રાક્ટર મિતેશ પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ગઇકાલે બ્રિજનો સ્લેબ ભરતી વખતે નીચે લગાવેલો એક ટેકો (સેન્ટિંગ) નમી ગયો હતો. આ બાબતે તુરંત જ RUDA (રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) ના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટરના દાવા મુજબ, ભવિષ્યમાં કોઈ મોટી હોનારત ન સર્જાય તે હેતુથી જોખમી જણાયેલા કોંક્રિટવાળા ભાગને સાવચેતીના ભાગરૂપે તેમની ટીમ દ્વારા જ તોડી પાડવામાં આવ્યો છે. હાલમાં આ મામલે ઉચ્ચ કક્ષાએથી તપાસની માંગ ઉઠી રહી છે કે શું આ માત્ર ટેકનિકલ ખામી હતી કે પછી મટીરિયલમાં કરવામાં આવેલી મોટી ગેરરીતિનું પરિણામ છે.