શિયાળાની ઋતુમાં લોકપ્રિય એવા સિંગ ચીકી અને તલ ચીકીના ઉત્પાદન કેન્દ્રો પર રાજકોટ મહાનગરપાલિકાના (RMC) આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો છે. નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી મળી રહે તે હેતુથી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ અને દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ચીકીના 8 નમૂના લેબોરેટરીમાં મોકલાયા
આરોગ્ય વિભાગની ટીમે સદર બજાર, ઉદ્યોગનગર સહિતના ચીકીના ઉત્પાદન અને વેચાણ કેન્દ્રો પર તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન સિંગ પાક, તલ સાંકળી (તલ ચીકી) સહિત વિવિધ ફ્લેવરની ચીકીના 8 જેટલા નમૂના એકત્ર કરવામાં આવ્યા હતા. આ નમૂનાઓને લેબોરેટરીમાં પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવ્યા છે, જેથી તેમાં ઉપયોગમાં લેવાતા ગોળ, તલ, સીંગદાણા અને અન્ય વસ્તુઓની ગુણવત્તા બાબતે ચકાસણી થઈ શકે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ ગુણવત્તામાં ખામી જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.










