ઓણસાલ અપુરતા વરસાદથી વર્ષ નબળુ પુરવાર થઈ રહ્યું છે ત્યારે રાજકોટ શહેર-જિલ્લામાં દર મહિને થતી મિલકતના ખરીદ-વેચાણમાં પણ ગાબડુ પડયું છે. જો કે, તેની પાછળ અન્ય કોઈ કારણ નહીં પણ ભાદરવા મહિનો અને શ્રાદ્ધ પક્ષની અસર વર્તાઈ છે. શ્રાદ્ધ પક્ષના કારણે છેલ્લા એક મહિનામાં શહેરમાં મિલકતની લે-વેંચમાં 15 ટકા અને જિલ્લામાં 13 ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
મિલકત નોંધણી માટે રાજકોટ શહેરમાં આઠ અને જિલ્લામાં 10 સબ રજીસ્ટાર કચેરી આવેલી છે તેમાં ગત ઓગષ્ટ મહિનામાં રાજકોટ જિલ્લામાં કુલ 14,453 દસ્તાવેજો નોંધાયા હતા તેની તુલનામાં સપ્ટેમ્બર મહિનામાં માત્ર 12,524 દસ્તાવેજ નોંધાયા છે. રાજકોટ જિલ્લામાં સરેરાશ 13-14 હજાર દસ્તાવેજની દરમહિને નોંધણી થાય છે આ વખતે ગત તા.12થી ભાદરવા મહિનાનો પ્રારંભ થયો હોવાથી જમીન-મકાનમાં મંદીનો માહોલ ફુકાયો છે. જ્યારે જિલ્લામાં ગોંડલમાં 1067, લોધિકામાં 905, કોટડા સાંગાણીમાં 472, વિંછીયામાં 89, પડધરીમાં 211, જામકંડોરણામાં 87, જેતપુરમાં 638, ઉપલેટામાં 436, ધોરાજીમાં 280 અને જસદણમાં 371 દસ્તાવેજ નોંધાયા છે. રાજકોટ શહેરની 8માંથી 7 ઓફ્સિમાં દસ્તાવેજ નોંધણીમાં ઘટાડો થયો છે. ઓગસ્ટ મહિનામાં શહેરમાં કુલ 9,408 દસ્તાવેજ નોંધાયા હતા જ્યારે સપ્ટેમ્બર મહિનામાં 7,968 દસ્તાવેજ નોંધાયા છે એટલે કે, એક મહિનામાં 1440 દસ્તાવેજ ઓછા નોંધાતા સરકારી તંત્રને કરોડો રૂપિયાની આવકમાં ગાબડુ પડયું છે. માત્ર રાજકોટ તાલુકામાં 11.71 ટકાનો વધારો નોંધાયો છે. અત્રે નોંધનીય છે કે, રાજકોટ તાલુકામાં માત્ર ખેતીના દસ્તાવેજોની નોંધણી થાય છે એટલે કે, રાજકોટ આસપાસમાં ખેતીની જમીનમાં મોટાપાયે સોદા થયા છે. મોરબી રોડ ઉપર એક મહિનામાં 701 દસ્તાવેજ ઓછા નોંધાયા છે.
