ગુજરાત સરકાર દ્વારા અમલી ‘શ્રી વાજપેયી બેન્કેબલ યોજના’ અંતર્ગત રાજ્યના નાગરિકોને આત્મનિર્ભર બનાવવા માટે મોટા પાયે લોન સહાય પૂરી પાડવામાં આવી રહી છે. તાજેતરમાં વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરે આ યોજનાની પ્રગતિના આંકડા રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સરકાર નાના ધંધા-રોજગારને વેગ આપવા માટે કટિબદ્ધ છે.


રાજકોટ અને કચ્છ જિલ્લાની કામગીરી

મંત્રીએ વિગતો આપતા જણાવ્યું કે, 31 ડિસેમ્બર 2025 સુધીના છેલ્લા એક વર્ષમાં રાજકોટ જિલ્લામાં કુલ 4,157 અરજીઓ મળી હતી. આ તમામ અરજીઓની બેંકોમાં ભલામણ કરવામાં આવી હતી, જેમાંથી 2,913 અરજીઓ મંજૂર કરી લાભાર્થીઓને લોન આપવામાં આવી છે. તેવી જ રીતે, કચ્છ જિલ્લામાં 1,919 અરજીઓ મળી હતી, જેમાંથી 1,915 અરજીઓ બેંકને મોકલાયા બાદ 1,463 લાભાર્થીઓને લોન સહાયનો સીધો લાભ મળ્યો છે.

લોન અને સબસીડીની મર્યાદામાં માતબર વધારો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ યોજનામાં ક્રાંતિકારી ફેરફારો કરવામાં આવ્યા છે. અગાઉ આ યોજના હેઠળ વધુમાં વધુ રૂ. 8 લાખ સુધીની લોન અને રૂ. 1.25 લાખની સબસીડી આપવામાં આવતી હતી. હવે આ મર્યાદા વધારીને રૂ. 25 લાખ સુધીની લોન અને રૂ.3.75 લાખ સુધીની સબસીડી કરવામાં આવી છે. આ નિર્ણયથી મધ્યમ અને નાના વર્ગના ઉદ્યોગસાહસિકોને મોટો આર્થિક ટેકો મળશે.

યોજનાની પાત્રતા અને અરજી પ્રક્રિયા

આ યોજનાનો લાભ લેવા માટે ગુજરાતના 18થી 65 વર્ષની વયના કોઈપણ નાગરિક પાત્ર છે. લાભાર્થીએ લઘુત્તમ ધોરણ-4 પાસ કરેલું હોવું જોઈએ અથવા જે તે વ્યવસાયની તાલીમ કે અનુભવ ધરાવતા હોવા જોઈએ. મહત્વની વાત એ છે કે આ યોજનામાં કોઈ આવક મર્યાદા રાખવામાં આવી નથી. પાત્રતા ધરાવતા ઉમેદવારો સત્તાવાર પોર્ટલ blp.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરી રાષ્ટ્રીયકૃત કે સહકારી બેંકો દ્વારા લોન મેળવી શકે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: