રાજકોટ ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા વાંકાનેરના પલાસ, લુણસર, વંથલી, ધોરાજીના સુપેડી, ઉપલેટાના મેખાટીંબી, લીંબડીના ટોકરાળા, માંગરોળના ખોડાદા અને અમરેલીના રાજસ્થળી ગામે ખનીજ માફિયાઓ ઉપર દરોડા પાડી ગેરકાયદે ખનન અને વહનનું કારસ્તાન ઝડપી લેવામાં આવ્યું છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન કુલ 9 જગ્યાએ દરોડા પાડી 8.95 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કાર્યવાહી દરમિયાન કુલ 41 વાહન અને મશીનરી કબજે લેવાઈ છે.


ખાણ ખનીજ વિભાગના નાયબ નિયામક અંકિત ભટ્ટના જણાવ્યા પ્રમાણે ફ્લાઇંગ સ્ક્વોડની કાર્યવાહીમાં 12 ડમ્પર, 3 લોડર, 8 ટ્રેક્ટર, 2 હિટાચી, 4 ખનન મશીન, 12 ચકરડી અને 1 જનરેટર મળી કુલ 41 વાહન-મશીનરી કબજે કરવામાં આવી છે. ખનીજ માફિયાઓ દ્વારા બ્લેક મોરમ, સાદી રેતી, સિલીકા, લાઈમસ્ટોન અને બ્લેકટ્રેપ ખનિજનું ગેરકાયદે ખનન અને વહન થતું હોવાનું સામે આવ્યું છે. દરોડા દરમિયાન ચાર જગ્યાએથી ગેરકાયદે ખનનની કામગીરી કરવામાં આવતી હતી. તેમાં માંગરોળના ખોડાદા ગામે એક સાથે ચાર સ્થળે ગેરકાયદેસર ખનનનું કારસ્તાન પકડી પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત ધોરાજીના સુપેડીમાંથી ખનન ઝડપી લેવામાં આવ્યું છે. જ્યારે ખનીજ માફિયાઓ દ્વારા રોયલ્ટી કે પાસ-પરમીટ વગર ખનીજની હેરફેર કરવામાં આવતી હતી. મોટાભાગના કેસમાં રાત્રી દરમિયાન ગેરકાયદે ખનન થતું હોવાનું ખુલ્યું છે. ખાસ કરીને મોરબી જિલ્લો હોટસ્પોટ બન્યો છે જેાં એક જ દિવસે 2.90 કરોડનો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે.રાજકોટ ખાણ ખનીજ કચેરી દ્વારા તમામ મુદ્દામાલ જપ્ત કરી નજીકના પોલીસ સ્ટેશનને સોંપી દેવાયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: