રાજકોટ મહાનગરપાલિકા (મનપા) માં સત્તાના સૂત્રો બદલાતાની સાથે જ વહીવટી પાંખમાં મોટો ભૂકંપ આવ્યો છે. મનપાના સેક્રેટરી પદ પરથી ધવલ જેસડિયાને તાત્કાલિક અસરથી હટાવી દેવામાં આવ્યા છે અને તેમના સ્થાને પૂર્વ સેક્રેટરી હરેશ રૂપારેલિયાની ફરીથી નિમણૂક કરવામાં આવી છે. મનપાના વર્તમાન મેયર નેહલ શુક્લ દ્વારા આ આકરા પગલાં લેવામાં આવ્યા છે, જેને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ચર્ચા છે કે મેયર નેહલ શુક્લે પદ સંભાળતાની સાથે જ વહીવટી અધિકારીઓ સામે પોતાનો દાવ લેવાનું શરૂ કરી દીધું છે.
રાજકોટ મનપામાં વહીવટી પાંખમાં મોટો ભૂકંપ
આ સમગ્ર વિવાદ અને ફેરફાર પાછળ એક મોટી રાજકીય અદાવત હોવાનું સામે આવ્યું છે. વર્ષ ૨૦૨૬માં જ્યારે ધવલ જેસડિયા સેક્રેટરી પદ પર કાર્યરત હતા, ત્યારે તેમણે ત્રણ જનરલ બોર્ડમાં સતત ગેરહાજર રહેવા બદલ તત્કાલીન કોર્પોરેટર અને વર્તમાન મેયર નેહલ શુક્લને સભ્યપદેથી બરતરફ કરવા અંગેની આકરી નોટિસ પાઠવી હતી. એ સમયે આ નોટિસ ભારે ચર્ચાનો વિષય બની હતી. જોકે, હવે સમય બદલાયો છે અને નેહલ શુક્લ રાજકોટના મેયર બન્યા છે, જેથી સત્તા હાથમાં આવતા જ તેમણે જૂનો હિસાબ ચુકતે કરવાનું શરૂ કર્યું હોય તેમ જેસડિયાની સત્તા છીનવી લીધી છે.










