રાજકોટ શહેરના હાર્દ સમાન 150 ફૂટ રિંગ રોડ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં, તંત્રના દાવા માત્ર કાગળ પર હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સંદેશ ન્યૂઝ દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં ડમ્પર, ટ્રક અને લક્ઝરી બસો નિર્ધારિત સમય મર્યાદામાં પણ ખુલ્લેઆમ દોડતી જોવા મળી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે અનેક ડમ્પરો પાસે નંબર પ્લેટ સુદ્ધાં નથી. માધાપર, ગ્રીનલેન્ડ અને ગોંડલ ચોકડી જેવા મુખ્ય એન્ટ્રી પોઈન્ટ્સ પર ટ્રાફિક પોલીસની હાજરી હોવા છતાં આ વાહનો શહેરમાં બિન્દાસ રીતે પ્રવેશી રહ્યા છે, જે પોલીસની કામગીરી સામે મોટા સવાલો ઊભા કરે છે.
રાજકોટમાં ટ્રાફિક નિયમોના સરેઆમ ધજાગરા
ભારે વાહનોની આ મનમાની રાજકોટવાસીઓ માટે જીવલેણ સાબિત થઈ રહી છે. છેલ્લા એક વર્ષમાં ભારે વાહનોના કારણે 500થી વધુ અકસ્માતો સર્જાયા છે, જેમાં 38 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રિયાલિટી ચેક દરમિયાન લક્ઝરી બસના ડ્રાઇવરો ચાલુ બસે મોબાઈલનો ઉપયોગ કરતા કેમેરામાં ઝડપાયા હતા. જ્યારે તેમને પ્રતિબંધિત જાહેરનામા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે "અમને કોઈ રોકતું નથી" તેવા હાસ્યાસ્પદ અને બેજવાબદાર જવાબો આપ્યા હતા. ટ્રાફિક જામ અને અકસ્માતોની ગંભીર સ્થિતિને જોતા શું તંત્ર હવે કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે?













