રાજકોટના યુવક સાથે લગ્નના બંધને બંધાયેલી પાકિસ્તાનના કરાચીની એક યુવતી છેલ્લા ત્રણ વર્ષથી વિઝાના અભાવે સરહદ પાર અટવાઈ પડી છે. કરાચીની રહેવાસી રેહાનાએ રાજકોટના રહેવાસી પરવેઝ સાથે નિકાહ કર્યા હતા, પરંતુ કાયદાકીય ગૂંચવણો અને ભારતના વિઝા ન મળવાને કારણે તે પોતાના સાસરે આવી શકી નથી. રેહાના છેલ્લા ત્રણ વર્ષથી પાકિસ્તાનમાં જ રહેવા મજબૂર બની છે અને પતિથી દૂર રહેવાની વેદના ભોગવી રહી છે. આ મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે રેહાનાએ સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો શેર કર્યો હતો.
રાજકોટના સાસરે આવવા રેહાનાની આજીજી
વીડિયોમાં રેહાનાએ ભારત સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નમ્ર અપીલ કરી છે કે તેને વહેલી તકે ભારતના વિઝા આપવામાં આવે જેથી તે તેના પતિ અને સાસરી પક્ષ સાથે રહી શકે. રેહાનાએ જણાવ્યું કે તેણે અનેકવાર વિઝા માટે પ્રયત્નો કર્યા છે, પરંતુ હજુ સુધી તેને સફળતા મળી નથી. આ કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભારે ચર્ચા જાગી છે અને માનવીય અભિગમ અપનાવીને ભારત સરકાર આ મામલે કોઈ સકારાત્મક નિર્ણય લે તેવી માંગ ઉઠી રહી છે.













