રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પ્રખ્યાત યાત્રાધામ વીરપુર વિસ્તારમાં લોભામણી બચત યોજનાઓ અને ઈનામી સ્કીમના નામે નિર્દોષ લોકો સાથે છેતરપિંડી આચરતી એક મોટી ટોળકીનો પર્દાફાશ થયો છે. વીરપુર પોલીસ અને રાજકોટ ગ્રામ્ય એલસીબી (LCB) ની સંયુક્ત ટીમે સફળ ઓપરેશન પાર પાડીને આ કૌભાંડમાં સંડોવાયેલા 6 આરોપીઓની ધરપકડ કરી છે.

લોભામણી લાલચ આપી લાખો રૂપિયા ઉઘરાવ્યા

આરોપીઓએ 'જય જલારામ માર્કેટિંગ' અને અન્ય વિવિધ નામોથી આકર્ષક રોકાણ યોજનાઓ શરૂ કરી હતી. રોકાણકારોને ટૂંકા ગાળામાં મોટું વળતર અને કિંમતી ઈનામોની લાલચ આપીને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. લોકો પાસેથી લાખો રૂપિયાની રકમ ઉઘરાવ્યા બાદ, જ્યારે પરત આપવાનો સમય આવ્યો ત્યારે આરોપીઓ વાયદા કરવા લાગ્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ અંદાજે રૂપિયા 7.05 લાખ જેટલી રકમ રોકાણકારોને પરત આપવાને બદલે પોતાના અંગત મોજશોખ અને ઉપયોગમાં વાપરી નાખી હતી.

પોલીસ કાર્યવાહી અને તપાસ

છેતરપિંડીનો ભોગ બનેલા રોકાણકારોએ આ મામલે વીરપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી હતી. રાજકોટ ગ્રામ્ય એલસીબી અને સ્થાનિક પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ પોન્ઝી સ્કીમ ચલાવતા છ મુખ્ય સૂત્રધારોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકાણકારોના ડેટા અને સ્કીમને લગતા સાહિત્ય કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો ભોગ બન્યા છે અને છેતરપિંડીનો આંકડો વધવાની શક્યતાને જોતા પોલીસે સઘન તપાસ તેજ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો