રાજકોટમાં દિવાળી દરમિયાન રવિવારે ભારે આતશબાજી થવાને કારણે શ્વાનો, પંખીઓની હાલત દયાજનક બની હતી. ફાટાકડા ફૂટવાને કારણે ઈજા પામેલા 25 શ્વાનો અને પંખીઓને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટની એનિમલ હેલ્પલાઇન દ્વારા સારવાર આપવામાં આવી હતી. આ હેલ્પલાઈન દ્વારા અબોલ જીવોની સેવા, સારવાર અને રેસ્ક્યૂની કામગીરી વર્ષના 365 દિવસ, 24 કલાક સતત કરવામાં આવે છે. સામાન્ય દિવસોની જેમ જ દિવાળીના દિવસોમાં પણ એનિમલ હેલ્પલાઇન 24 કલાક કાર્યરત રહી હતી. તહેવારો દરમિયાન ફ્ટાકડાના અવાજ અને ધુમાડાથી પશુ-પક્ષીઓ ભયભીત થયા હતા. પાંખોને ગંભીર નુકસાન થવાને કારણે અનેક પક્ષીઓ આજીવન ઊડી નહીં શકે એવી તેમની હાલત થઈ હતી. ફ્ટાકડાના વધુ પડતા અવાજ અને ધુમાડાથી અબોલ પશુ-પક્ષીઓના સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિ પર અસર થઈ હતી. કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટે આ તહેવારોમાં ફાટાકડાનો સંયમિત ઉપયોગ કરી પશુ-પક્ષીઓને ભયમુક્ત વાતાવરણ આપવા નાગરિકોને અપીલ કરી હતી.
