રાજકોટમાં ભૂતકાળમાં જેને લોકો આલ્ફ્રેડ હાઈસ્કૂલ કે કાઠિયાવાડ હાઈસ્કૂલ તરીકે ઓળખતા હતા, તેની સ્થાપના 17મી ઓક્ટોબર 1853માં થઈ હતી. તે બાદમાં મોહનદાસ ગાંધી વિદ્યાલય તરીકે જાણીતી બની. 1887માં ગાંધીજીએ જ્યાંથી સ્નાતકની પદવી મેળવી હતી, ત્યાં ગાંધી મ્યુઝિયમ બનાવવામાં આવ્યું એને 8 વર્ષ થયા. ગાંધીજી વિશે કોઈ ગમે એવું વિચારે કે બોલે પણ બાપુની લોકપ્રિયતા આજેય અકબંધ છે. કારણ કે છેલ્લા આઠ વર્ષમાં દેશવિદેશના 3.94 લાખ લોકો આ મ્યુઝિયમ મુલાકાત લઈ ચૂક્યા છે એટલે કે દરરોજ સરેરાશ 135 નાગરિકો ગાંધીજીની આ યાદગીરીને જોઈને તેમના જીવનનો સંદેશ ગ્રહણ કરી રહ્યા છે.

ગાંધી મ્યુઝિયમના આઉટડોર માટે મહાપાલિકા દ્વારા જે એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયેલો એની સમય મર્યાદા પૂરી થતાં નવી એજન્સી નક્કી કરવાની પ્રક્રિયા મંજૂરી હેઠળ છે. આ માટે જે એજન્સીને કામ સોંપાશે તેણે પરિસરમાં ફૂડ કોર્ટ, પ્રદર્શન માટેની જગ્યા, કોન્ફરન્સ રૂમ, ડાયનિંગ રૂમ, કિડ્ઝ ઝોન, એટીએમ રૂમ, ટિકીટ બારી, સિક્યુરિટી એ દરેકનું મેન્ટેનન્સ અને સંચાલન બન્ને રાખવાનું રહેશે. મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું કે, સપ્ટેમ્બર 2018માં મ્યુઝિયમ શરૂ થયું ત્યારથી એમાં ગેમઝોન બનાવવાની યોજના હતી પણ હજી સુધી એ યોજના પાર પડી નથી. આ વખતે જે નવી એજન્સી કામ સંભાળે તેણે કિડ્ઝ ઝોનમાં બાળકો માટે ગેમઝોન બનાવવાનું રહેશે. જોકે, કયા પ્રકારની ગેમ રાખવી એ એજન્સી દ્વારા નક્કી કરવામાં આવશે. આ મ્યુઝિયમમાં અત્યાર સુધીમાં 2862 વિદેશી મુલાકાતીઓ, 1,12,638 બાળકો સહિત 3,93,622 લોકોએ મુલાકાત લઈ ચૂક્યા છે. દર 26 જાન્યુઆરી, 30મી જાન્યુઆરી અને 15 ઓગસ્ટ તેમ જ 2 ઓક્ટોબરે 12 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકોને અહીં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. જવાહર રોડ, જ્યુબિલી ચોક પાસે આવેલા ગાંધી મ્યુઝિયમમાં શુક્રવારે સવારે ગાંધી જયંતી નિમિત્તે મહાપાલિકા દ્વારા ગાંધીધૂનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં કલાકાર ઋષભ આહિર ગાંધીજી વિશેનાં ધૂન, લોકગીત વગેરે પ્રસ્તુત કરશે.