દશેરા પર્વ નિમિત્તે રાજકોટના પરંપરાગત રેસકોર્સ મેદાનમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમને ભવ્ય અને આકર્ષક બનાવવા માટે છેલ્લા એક મહિનાથી તૈયારીઓ ચાલી રહી છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે યોજાતો રાવણ દહનનો કાર્યક્રમ સૌથી મોટો ગણાય છે, ત્યારે આ વર્ષે પણ મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટે તેવી શક્યતા છે.રાવણ દહન માટે રાવણ, કુંભકર્ણ અને મેઘનાથનાં ત્રણ વિશાળ પૂતળાં તૈયાર કરવામાં આવ્યાં છે. આ પૂતળાં બનાવવા માટે ઉત્તર પ્રદેશથી 22 કારીગરોની ટીમ રાજકોટ આવી હતી. કારીગરોએ માત્ર બે દિવસમાં રાવણનું 55 ફૂટ ઊંચું, જ્યારે કુંભકર્ણ અને મેઘનાથનાં 45-45 ફૂટ ઊંચાં પૂતળાં તૈયાર કર્યાંછે. ત્રણેય પૂતળાંના દહનનો નજારો દશેરાની ઉજવણીનું મુખ્ય આકર્ષણ બનશે. છેલ્લાં બે-ત્રણ વર્ષથી બંધ રહેલો લેઝર શો ફરી શરૂ થાય તે માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસ સફ્ળ રહેશે તો રાવણ દહન સાથે લેઝર શો અને આતશબાજીનો પણ રાજકોટવાસીઓને લ્હાવો મળી શકશે.તેનાથી દશેરાની ઉજવણીમાં વધુ રંગત ઉમેરાવાની શક્યતા છે. કાર્યક્રમને સફ્ળ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદની ટીમ દ્વારા આયોજનની વિવિધ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. પરંપરા, ભવ્યતા અને ઉત્સવના માહોલ સાથેરેસકોર્સ મેદાનમાં યોજાનારો આ કાર્યક્રમ રાજકોટવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.