ઉપલેટાના ભાયાવદરમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે જેમાં 60 વર્ષીય વૃદ્ધે પડોશમાં રહેતી 23 વર્ષીય યુવતી પર અવારનવાર દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો હતો.જે બનાવ અંગેની પરિવારને જાણ થયા બાદ મામલો પોલીસમાં પહોંચ્યો હતો.બનાવના પગલે માતાની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

ઉપલેટા પંથકમાં રહેતી 40 વર્ષીય પરણીતાએ ભાયાવદર પોલીસમાં પડોશમાં રહેતા 60 વર્ષીય મધુ રૂડાભાઈ અકબરી નામના વૃદ્ધ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે તેમની 23 વર્ષીય યુવતી ઘરે એકલી હતી ત્યારે આશરે પાંચ મહિના પહેલાં બપોરના સમયે કુદરતી હાજતે ગઈ હતી તે સમયે આરોપી પાછળથી ધસી આવ્યો હતો અને યુવતીના મોઢે ડૂમો દઈ બૂમાબૂમ કરીશ તો જાનથી મારી નાખીશ કહી ધમકી આપી હતી. ત્યારબાદ આરોપી અવાવરું સ્થળે ખેંચી ગયો હતો અને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.બાદ આ જ રીતે તેણે છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન આશરે પાંચ વાર યુવતી પર શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો અને છેલ્લે બે મહિના પૂર્વે તેણે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન, યુવતીને માસિક ધર્મ ન આવતાં અને પેટનો ભાગ ફૂલી જતાં માતાને શંકા ગઈ હતી. માતાએ પ્રેમથી પૂછપરછ કરતાં દીકરીએ પોતાની સાથે બનેલી તમામ હકીકત વર્ણવી હતી. આ સાંભળી માતાના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. પરિવારે તાત્કાલિક યુવતીને સરકારી હોસ્પિટલ ખાતે સોનોગ્રાફી માટે ખસેડતા તબીબે તેને પાંચ મહિના નો ગર્ભ હોવાનું જાહેર કર્યું હતું.જેથી મામલો પોલીસમાં પહોંચ્યો હતો.ઘટનાની ગંભીરતાને જોઈ પોલીસે માતાની ફરિયાદ પરથી આરોપી સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.