સૌરાષ્ટ્રમાં રેવન્યુ વિસ્તારોમાં વન્યપ્રાણીઓના બે માસમાં 8 માનવ હુમલા થયા છે. જેમાં અમરેલીના બગસરા પંથકના હામાપુર નજીક તા 25-11 એક પાંચ વર્ષીય બાળકને તેની જનેતાની નજર સામે જ સિંહણે ફાડી ખાધાની ઘટના સામે આવી હતી.
બીજા દિવસે તા.27-11ના ધારીના ત્રંબકપુર ગામે માતાની નજર સામે 1 વર્ષની બાળકીને દીપડાએ ફાડી ખાધી હતી. ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડાના પીછવીમાં પણ માતાની નજર સામે બે વર્ષની બાળાને એક સિંહણે ફાડી ખાધી હતી. તેમજ કોડીનારના વલાદર ગામે મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો, જો કે એક યુવકે હાકલા-પડકારા કરતા દીપડો નાસી ગયો હતો. ઉપરાંત કોડીનારના સિંધાજ ગામે ખેડૂત પર સિંહે હુમલો કર્યો હતો.
ખાંભાના ગીદરડી ગામ મુકેશભાઈ સોલંકી વાડીમાં પાણી વાળી રહ્યા હતા ત્યારે અચાનક એક સિંહણે હુમલો કરી દીધો હતો અને ખેડૂતને પીઠના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તા.18-12ના ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના સનવાવ-ધ્રાબાવડ રોડ ઉપર આવેલા એક વાડી વિસ્તારમાં વહેલી સવારે સિંહ દ્વારા માલધારી પર હુમલાની ગંભીર ઘટના સામે આવી હતી. તેમજ તા.21-12ના અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામ ગામે સવારે ખૂંખાર દીપડાના હુમલામાં માસૂમ બાળકના મોતનો બનાવ સામે આવ્યો હતો. ખેડૂતનું ભાગિયું રાખી રહેતા મજૂર પરિવારના 5 વર્ષના પુત્રને દીપડાએ દબોચી લેતાં બાળકનું ગંભીર ઈજાઓ બાદ મોત થયું હતું. આ બનાવની જાણ થતાં વનવિભાગે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી, પાંજરા મૂકીને ખૂંખાર દીપડાને પકડવા કવાયત શરૂ કરી હતી.
જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં પણ વન્યજીવો અવાર નવાર ગામ સુધી વન્યજીવો પહોંચી જાય છે. થોડા સમય પહેલા સુખપુર ગામે ખૂંખાર દીપડો રાત્રિના ગામની બજારમાં આવી જતા ગ્રામજનોમાં ભય ફ્ેલાઈ ગયો હતો. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પંથક તેમજ શહેરમાં વન્ય પ્રાણીઓના આંટાફ્ેરા વધતા જનતામાં ભયનો માહોલ છે. તા.17ના કોડીનાર-મૂળદ્વારકા રોડ પર આવેલા નદી કાંઠાના રહેણાંક વિસ્તારમાં એક દીપડો આવી ચડતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટયા હતા. વન વિભાગના રેસ્ક્યૂ ઓપરેશન બાદ દીપડો અંતે પંજરે પુરાયો હતો.
દીપડાના ડરના કારણે બાળકોને પાંજરામાં સુવડાવવા પડે
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા નજીક જાફરાબાદના ભાકોદર ગામના વતની અને ઝાપોદર ગામમાં ભાગીયા તરીકે ખેતી કરતા ભરતભાઈ બારૈયાની પત્નીના અવસાન બાદ પોતાનો એક દીકરો અને પાંચ દીકરીઓ તેમજ વૃધ્ધ માતાની જવાબદારી તેના પર હોય પરંતુ તેને રાત્રે પણ વાડીમાં કામ કરવુ પડતુ હોય અને આ વિસ્તારમાં દીપડો દેખાતા તેમની બાળકીઓના સલામતી માટે વાડીના મકાનની અંદર જ એક પાંજરૂ બનાવ્યું છે જેમાં તેની દીકરીઓને સુવડાવે છે.
અમરેલીના લીલિયા બૃહદ ગીરમાં 50થી વધુ સિંહોની હાજરી
આ વખતે થયેલી સિંહોની વસ્તી ગણતરીમાં અમરેલી જિલ્લામાં સિંહોની વસ્તીમાં વધારો થયો છે. લીલિયા બૃહદ ગીર વિસ્તારમાં જ 50 જેટલા સિંહો વિહરી રહ્યા છે. લીલિયા તાલુકાના 37 ગામ પૈકી 28 ગામોમાં સિંહોનો વસવાટ છે અથવા તો અવર-જવર નોંધાઈ છે. લીલિયા બૃહદ ગીર વિસ્તારમાં વન્ય પ્રાણીઓ પૂરતો ખોરાક અને ખાસ કરીને શેત્રુંજી નદી હોય આ વિસ્તારમાં સિંહો માટે અનુકુળ વાતાવરણ મળી રહે છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો