રાજકોટના કેનાલ રોડ, જયરાજ પ્લોટ ખાતે રાજા-મહારાજાના સમયમાં શરૂ કરવામાં આવેલું બજરંગ વ્યાયામ મંદિરમાં હજુ પણ દેશી કરસત અને સાધનોના ઉપયોગ વગર જ લોકોના સ્વાસ્થ્યની સંભાળ રાખવામાં આવી રહ્યા છે. ઠંડીની ઋતુમાં લોકો શરીરને સુડોળ બનાવવા માટે જીમ જતા હોય છે ત્યારે એક સદી પૂર્વે બનાવેલી વ્યાયામ શાળામાં જૂની પરંપરાની જેમ હજુ કસરતો કરાવવામાં આવી રહી છે.
વ્યાયામ શાળાનું સંચાલન કરતા સભ્યો હિમાંશુભાઈ ભટ્ટ અને ભૂપતભાઈ કંડોલીયાએ કહ્યુ કે, રાજાશાહીના વખતથી આ વ્યાયામ શાળામાં અખાડા, દેશી કસરત, કુસ્તીના દાવપેચ અને મગદળની કસરતો કરવામાં આવે છે. ભૂતકાળમાં વ્યાયામ મંદિરમાં આવતા બાળકોને કેસરી પૂલ પરથી નદીમાં નાખી તરવાની પણ પ્રેક્ટિસ કરાવતા હતા. પરંતુ હવે સમય બદલાતા વ્યાયામ શાળામાં આવતા લોકોને તાત્કાલિક બોડી બનાવી લેવી હોય તેથી આ તમામ દેશી કસરતો તેમને અઘરી લાગે છે અને તેના કારણે સંખ્યામાં પણ ઓછી જોવા મળે છે. લોકો એ વાત સમજતા નથી કે જીમમાં બોડી બનાવવા માટે પ્રોટીનના નામે પાવડર આપે છે. જેની કિડની પર ખૂબ ખરાબ અસર થાય છે.
