રાજકોટ જિલ્લામાં યુવાધનને બરબાદ કરતા નશાના સોદાગરો સામે જિલ્લા પોલીસ દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. છેલ્લા 11 માસમાં જિલ્લા એસઓજીની ટીમે 45 સ્થળે દરોડા પાડી રૂ.5.30 કરોડના ડ્રગ્સ, ગાંજાના જથ્થા સાથે પેડલરો સહિત 86 આરોપીઓને ઝડપી લઈ જેલ હવાલે કર્યા છે. યુવાધનને નશાના રવાડે ચડતા બચાવવા માટે રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ સહિતની ટીમો દ્વારા રાત-દિવસ સઘન પેટ્રોલિંગ અને ખાસ વોચ ગોઠવવામાં આવી રહી છે. આ સઘન ઝુંબેશના ભાગરૂપે એસઓજી દ્વારા 30 કેસ, સ્થાનિક પોલીસ દ્વારા 12 કેસ અને એન્ટી નાર્કોટિક્સ વિંગ દ્વારા 3 કેસ મળી એનડીપીએસ કુલ 45ના ગુના નોંધવામાં આવ્યા છે. જિલ્લામાં ગોંડલ, કોટડા સાંગાણી, ઉપલેટા, મેટોડા, વીરપુર, પાટણવાવ, લોધિકા, શાપર, જસદણ, આટકોટ, ધોરાજી, જેતપુર અને વિંછીયા પંથકમાંથી છેલ્લા 11 મહિનામાં ગાંજો અને અન્ય નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે કુલ 45 દરોડા પાડી પોલીસે કુલ 86 આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસ દ્વારા જપ્ત કરાયેલા માદક દ્રવ્યોમાં 1027 કિલો 73 ગ્રામ ગાંજો, રૂ.9,14,190ની કિંમતનો 304.730 મિલિગ્રામ એમડી પાવડર અને રૂ.5.30 લાખની કિંમતની 225 ટ્રામાડોલ ટેબ્લેટનો સમાવેશ થાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો