એક સમયે રાજકોટમાંથી દેશના ભોટાભાગના રાજ્યોમાં ચાંદીના દાગીનાનું વેચાણ થતું અને તેના કારણે અનેક લોકો રોજગારી મેળવી રહ્યા હતા.
હાલ ચાંદીમાં તેજીના વાવાઝોડાએ રાજકોટના ચાંદી બજારની રોનક છીનવી લીધી છે અને હાલ ભયંકર મંદી પ્રર્વતી રહી છે. રાજકોટનો ચાંદીના દાગીના બનાવવાનો ઉદ્યોગ હાલ ઓક્સિજન પર આવી ગયો છે.
રાજકોટ સિલ્વર મેન્યુફેક્ચર એસોસિએશના ઉપપ્રમુખે જણાવ્યું કે હાલ ચાંદીના ભાવમાં ભયંકર ચડ-ઉતર ચાલી રહી છે. તેને કારણે કામકાજ ઠપ થઈ ગયા છે. કયાંયથી ઓર્ડર આવતા નથી. રાજકોટમાંથી દેશના મોટાભાગના રાજ્યોમાં દાગીનાનું વેચાણ કરવામાં આવતું હતું પણ આવા રાજ્યોમાંથી પણ નવા ઓર્ડર આવતા બંધ થઈ ગયા છે. એકલા રાજકોટમાં સામાકાંઠે જ અંદાજે 1,200 જેટલા યુનિટો ચાંદીના દાગીના બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ પાસે કામ જોઈએ તેવું નહીં રહેતા હાલ એક શિફટમાં જ કામકાજ થઈ રહ્યા છે. એટલે કોઈ યુનિટવાળા બપોર સુધી પ્રોડકશન ચાલુ રાખે છે અમુક યુનિટવાળા બપોર બાદ કામ કરે છે. ઉપરાંત હવે શનિ-રવિ બે દિવસની રજા જાહેર કરી દેવામાં આવી છે. આમ તો કોરોના બાદથી આવી સ્થિતિનું નિર્માણ થયું છે અને ત્યારબાદ ધંધામાં રિકવરી થઈ જ નથી. હોલસેલ અને રિટેઈલમાં કોઈ જ ઘરાકી નથી. કેમ કે આજે જે ભાવ ચાંદીના ભાવ હોય તે બીજા દિવસે મોટો જમ્પ કરી ઉછાળો મારે છે. તેથી મેન્યુફેકચરો અને બજારના વેપારીઓ પણ કોઈ જ ખરીદી કે મોટાપાયે પર ઉત્પાદન કરતા નથી. હવે ભાવ રૂ.1.60 લાખની આસપાસ આવે ત્યારે જ ધંધો પહેલાની માફક સોળે કળાએ ખીલી ઊઠે તેમ છે.
3 લાખથી વધુ કારીગરો ચાંદીના ઉદ્યોગો સાથે સંકળાયેલા છે
રાજકોટમાં સામાકાંઠે વિકસેલા ચાંદીના ઉદ્યોગમાં પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે અંદાજે ત્રણેક લાખ લોકો સંકળાયેલા છે અને રોજગારી મેળવી રહ્યા છે. ત્યારે હાલની મંદીના કારણે આ કારીગરોના માઠા દિવસો આવ્યા છે. તેમ છતાં યુનિટવાળાઓ ગમે તેમ કરીને કારીગરોને ચુકવણું કરી રહ્યા છે પણ કેટલો સમય ચાલશે તે નક્કી નથી.
રાજકોટથી સરધાર, મહિકા સહિતના ગામોમાં કામ જતું હતું
જયારે ચાંદીના દાગીનો ઉદ્યોગ પૂરબહારમાં ચાલી રહ્યો હતો ત્યારે રાજકોટમાં સરધાર, મહિકા સહિતના આસપાસના ગામો સુધી માલ તૈયાર કરવા માટે મોકલવામાં આવતો હતો. ત્યાં મોટેભાગે મહિલાઓ ચાંદીના કામ કરતી હતી. હવે તેમની પાસે પણ જૂજ કામ જઈ રહ્યું છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો