ગીર વિસ્તારમાં સિંહોમાં જોવા મળેલા વાયરસ સંક્રમણને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ઉભી થયેલી ચિંતા વચ્ચે રાજ્ય સરકાર અને વન વિભાગ દ્વારા હાથ ધરાયેલા પ્રિવેન્ટિવ પગલાંઓના પરિણામે હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ હોવાનું વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું. મહત્વપૂર્ણ વાત એ છે કે, છેલ્લા ત્રણ દિવસ દરમિયાન વાયરસ સંક્રમણના કારણે એકપણ સિંહનું મૃત્યુ નોંધાયું નથી.
વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ જામવાળા રેસ્ક્યુ સેન્ટર, બાબરિયા વન વિસ્તાર અને જસાધાર એનિમલ કેર સેન્ટરની રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા પશુચિકિત્સકો સાથે બેઠક યોજી હાલની કામગીરી અંગે માહિતી મેળવી હતી.
વનમંત્રીએ જણાવ્યું હતું કે, ગીર સેન્ચ્યુરીની બહાર આવેલા બે રેન્જ વિસ્તારમાં કેટલાક સિંહબાળ અને સિંહો નબળા પડી જતા મોતની ઘટનાઓ સામે આવી હતી. આ તમામના સેમ્પલ ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર ખાતે તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જોકે રિપોર્ટ આવે તે પહેલા જ વન વિભાગે 19 તારીખથી સમગ્ર વિસ્તારને ઓળખી જરૂરી તપાસ અને પ્રિવેન્ટિવ પગલાં શરૂ કરી દીધા હતા. જેના કારણે સમગ્ર મામલો નિયંત્રણમાં રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત વિસ્તારમાં 500થી વધુ સિંહો માટે ડીવોર્મિંગ સહિતની જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી છે. કેટલાક નબળા સિંહોને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી જ્યારે અમુકને રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડીને સારવાર આપવામાં આવી રહી છે. હાલ રેસ્ક્યુ કરાયેલા તમામ સિંહોની સ્થિતિ સારી હોવાનું જણાવી મંત્રીએ કહ્યું હતું કે, આગામી બે-ત્રણ દિવસમાં તેમને ફરીથી જંગલમાં મુક્ત કરવામાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કાર્ય કરી રહી છે. વન વિભાગ, પશુચિકિત્સકો અને ફ્લ્ડિ સ્ટાફ્ની ટીમો 24 કલાક સિંહોના આરોગ્ય પર નજર રાખી રહી છે. ગીરના જંગલોમાં સિંહોની ગર્જના અવિરત રહે તે માટે દિવસ-રાત મહેનત કરી રહેલા વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને પશુચિકિત્સક ટીમોની કામગીરીને પણ વનમંત્રીએ બિરદાવી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો