મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે વોર્ડ-2ના આરાધના સ્કુલના મતદાન બુથ પર સાંજના સુમારે બુથકેપ્ચરીનો પ્રયાસ થયો હોવાનું સામે આવ્યુ છે. અહિ કેટલાક શખસોએ સીસીટીવી પર રૂમાલ ઢાંકી દેવાનો પ્રયાસ કર્યો હતો. જેનો વિરોધ થતા મામલો બિચક્યો હતો. આ બુથકેપ્ચરનો પ્રયાસ અંગે ભાજપ અને કોંગ્રેસે એકબીજા પર આક્ષેપપ્રતિઆક્ષેપો કર્યા છે. જોકે, ત્યારબાદ પોલીસ દોડી આવતા મામલો થાળે પડયો હતો. ઉલ્લેખનીય છેકે,આ બુથ પર બપોરના સમયે કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોરનો પણ હુરિયો બોલાવવામાં આવ્યો હતો. તેઓ અહિ સમર્થકો સાથે આવતા કોંગ્રેસે તેનો વિરોધ કર્યો હતો અને એક સમયે મામલો રકઝક સુધી પહોંચ્યો હતો. જોકે, આ મામલો થાળે પડયા બાદ મતદાન પુર્ણ થવાના એક કલાક પુર્વે અહિ કેટલાક શખસોએ બુથના સીસીટીવી કેમેરા બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે તેઓએ કેમેરા પર રૂમાલ જેવુ કોઇ કપડુ ઢાંકી દીધુ હતું. જે અન્ય પક્ષના કાર્યકર્તાઓના ધ્યાનમાં આવતા તેઓએ આ મામલે વિરોધ દર્શાવ્યો હતો. જેથી બંને પક્ષ સામસામે આવી ગયા હતા. આ મામલાની જાણ થતા ઉમેદવારો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. આ દરમિયાન પોલીસ બોલાવવામાં આવી હતી. તેઓેએ મામલો થાળે પાડયો હતો. દરમિયાન ભાજપ અને કોંગ્રેસે આ બુથકેપ્ચરીંગના પ્રયાસના આરોપને એકબીજા પર ઢોળ્યો હતો. જોકે, પોલીસે આવી જતા બંને પક્ષના ટોળા વિખેરાઇ ગયા હતા. જોકે, તપાસ દરમિયાન આ પ્રકારની કોઇ ઘટના બની ન હોવાનું જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું. બુથ કેપ્ચરીંગનું સાંભળી મહાનગર ભાજપ પ્રમુખ પણ સ્થળ પર દોડી ગયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો