રાજકોટ શહેરમાં યોજાયેલા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબારને લઈને નવો વિવાદ આક્રમક બન્યો છે. કથા દરમિયાન દરબારમાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન મળતું હોય તે પ્રકારે ધૂણવાની બનેલી ઘટના સામે આવતા અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કામ કરતી સંસ્થા 'ગુજરાત વિજ્ઞાન જાથા' લાલઘૂમ થઈ છે. વિજ્ઞાન જાથા દ્વારા આ સમગ્ર મામલે આયોજકો અને કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી સામે કાયદાકીય સકંજો કસવા માટે સત્તાવાર મોરચો ખોલી દેવામાં આવ્યો છે.


સરકાર સમક્ષ કરી અરજી

વિજ્ઞાન જાથાના પ્રમુખ દ્વારા આ મામલે છેક મુખ્યમંત્રી કાર્યાલય, રાજ્યના ગૃહ વિભાગ અને સ્થાનિક કોર્ટ સુધી લેખિતમાં અરજી પાઠવીને કડક પગલાં લેવાની માગ કરવામાં આવી છે. અરજીમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે, આ કાર્યક્રમ દરમિયાન સરકારી જાહેરનામાનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો છે તેમજ વહીવટી તંત્ર દ્વારા નક્કી કરાયેલા નિયમોની પણ ભારે અવહેલના થઈ છે. કથાના નામે લોકમાનસમાં અંધશ્રદ્ધા અને વહેમ ફેલાવવાનો આયોજનબદ્ધ પ્રયાસ થયો હોવાનો દાવો પણ અરજીમાં કરાયો છે.

ફોજદારી ગુનો દાખલ કરવાની માગ

જાથાએ પોતાની અરજીમાં સ્પષ્ટ માગ કરી છે કે, સનાતન ધર્મના નામે કથિત ચમત્કારોના પ્રચાર-પ્રસારને રોકવામાં આવે અને નિયમ ભંગ બદલ કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી તેમજ રાજકોટના સ્થાનિક આયોજકો સામે ફોજદારી ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, બાબા બાગેશ્વરના કાર્યક્રમોમાં અગાઉ પણ આવા વિવાદો સામે આવતા રહ્યા છે, પરંતુ રાજકોટમાં મામલો સીધો કોર્ટ અને ગૃહવિભાગ સુધી પહોંચતા વહીવટી તંત્ર અને આયોજકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હવે જોવું રહ્યું કે આ હાઈપ્રોફાઈલ કેસમાં સરકાર કે કોર્ટ દ્વારા કેવા આકરા પગલાં લેવામાં આવે છે. 


આ પણ વાંચો----      Gujarat Latest News Live : અમદાવાદમાં સુરેન્દ્રનગરના કુખ્યાત આરોપીને પોલીસ પકડવા જતા ચોથા માળેથી પટકાતા મોત



  • Follow us on: