ગત ફેબ્રુઆરી માસમાં રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલીશન થયું હતું. ટીપી રોડ બનાવવા અને આજી નદીના પટના દબાણો દૂર કરવા કુલ 1504 મકાનોને તોડી પાડવામાં આવ્યા હતા. આ ચર્ચાસ્પદ ડિમોલીશનનો વિવાદ હજી પણ શાંત પડયો નથી. મહાપાલિકાની નવી બોડી ચૂંટાયા બાદ દરેક જનરલ બોર્ડમાં જંગલેશ્વર ચર્ચાનો મુદ્દો બની રહ્યું છે. શુક્રવારે મળેલી સામાન્ય સભા પણ જંગલેશ્વરના વિસ્થાપિતો અને તેના વિવાદી નાસ્તા બિલના ખર્ચથી ગરમાઈ હતી. બે કલાક ચાલેલી બેઠકમાં લગભગ અડધો સમય ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે તડાફડી બોલી હતી. વિપક્ષના નેતા દિપ્તીબેન સોલંકીએ ટાઉન પ્લાનિંગ શાખા અને તેના અધિકારીઓની કામગીરીની ઢીલી કામગીરી અંગે પૂછેલા વેધક પ્રશ્નો દરમિયાન જંગલેશ્વરનો મુદ્દો ઉઠયો હતો. ટીપીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, શહેરમાં 1631 પ્લોટ અનામત છે, 534 પ્લોટ ખાલી છે અને 382 પ્લોટ પર દબાણ છે. આ દબાણો મોટા ભાગના રહેણાંક હોવાથી તેને દૂરકરવાની પ્રક્રિયા જરૂરિયાત પ્રમાણે હાથ ધરવામાં આવશે અને ત્રણેય ઝોનમાં આવા દબાણકારોને 525 નોટિસ પણ આપવામાં આવી છે. એ સમયે વિપક્ષી નેતાએ જણાવ્યું કે, ટીપી અધિકારીઓ ડેપ્યુટી કમિશનરને પણ ગાંઠતા નથી. નોટિસો તો ઘણી અપાઈ પણ દબાણો કેમ દૂર કરવામાં આવતા નથી જંગલેશ્વરમાં દૂર કરી નાખ્યા. ચાર-ચાર અધિકારી હોવા છતાં કામગીરી કેમ ધીમી છે જંગલેશ્વર શબ્દ બોલાતાં જ ભાજપના કોર્પોરેટરોમાં ધુંધવાટ છવાઈ ગયો હતો. પ્રદીપ ડવે ત્યાં ટીપી રોડ ખુલ્લો થયો હોવાની વાત મૂકી હતી. ત્યારે વિપક્ષના કોર્પોરેટરે દબાણો જૂના હતા, તો માનવીય અભિગમ કેમ ન અપનાવ્યો જંગલેશ્વરને કેમ ખરાબ ચીતરો છોડિમોલીશન બાદ આજે પણ 10 હજાર લોકો રોડ પર હોવાનો કોર્પોરેટર ઇબ્રાહીમ સોરાએ દાવો કર્યો હતો. ચર્ચા દરમિયાન ભાજપના કોર્પોરેટરે કહ્યું કે, વોર્ડ નં.16માં જંગલેશ્વર સિવાય કોઈ મુદ્દો નથી ભાજપ અને કોંગ્રેસના સભ્યો એક સાથે સામસામે બોલવા લાગતાં આખી ચર્ચા હોબાળા અને ઘોંઘાટમાં ફેરવાઈ ગઈ હતી. છેવટે મેયરે સૌને શાંત રહી એક પછી એક પોતાની વાત રજૂ કરવા કહ્યું અને સાથે વિપક્ષના કોર્પોરેટરોને જણાવ્યું હતું કે, શહેરમાં 30 હજાર આવાસ બનાવવાની યોજના છે. આપણે જંગલેશ્વરમાં પણ આવાસ બનાવી શકીએ. તમે મ્યુનિસિપલ કમિશનરને મળો, બેઘર લોકોને ઘર મળે એ માટે અમારી પૂરી તૈયારી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો