રાજકોટ શહેરમાંથી માનવતાને શર્મસાર કરતી અને કુરિવાજોના નામે વિધવા મહિલા પર થતા અત્યાચારની કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. અહીં એક પીડિત વિધવા મહિલાએ પોતાના જ સાસરિયાઓ વિરુદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ આપવા તેમજ બળજબરીપૂર્વક અમાનવીય પ્રથા થોપવા બદલ રાજકોટ મહિલા પોલીસ મથકમાં ન્યાય માટે પોકાર કર્યો છે. મહિલાનો આરોપ છે કે પતિના મોતના આઘાત વચ્ચે સાસુ અને નણંદે ભેગા મળીને કાવતરું રચ્યું હતું અને પતિની કરોડોની મિલકતમાંથી ભાગ ન આપવો પડે તે માટે ક્રૂરતાની તમામ હદો પાર કરી દીધી હતી.


પતિનું કેન્સરમાં અવસાન થયું હતું

મળતી વિગતો અનુસાર, પીડિત મહિલાના પતિ ચંદ્રેશનું વર્ષ 2025માં 11 નવેમ્બરના રોજ કેન્સર જેવી જીવલેણ બીમારીના કારણે અવસાન થયું હતું. પરિવાર હજુ આ આઘાતમાંથી બહાર આવ્યો ન હતો ત્યાં પતિના મોતના માત્ર ત્રીજા જ દિવસે સાસુ અને નણંદે ભેગા મળીને વિધવા મહિલા પર દબાણ કર્યું હતું.

 મહિલાનું બળજબરીથી માથું મુંડન કરાવ્યું

સાસુ અને નણંદના કડક આદેશ બાદ સમાજના જૂના કુરિવાજોના બહાને મહિલાનું બળજબરીથી માથું મુંડન કરાવી દેવામાં આવ્યું હતું. આ અમાનવીય ઘટના આશરે ૬ મહિના પહેલા બની હતી, જેનો વિરોધ કરવા છતાં પીડિતાનું કોઈએ સાંભળ્યું ન હતું.

ધાર્મિક પ્રથા નહીં પરંતુ આર્થિક લોભ

પીડિત મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, આ ક્રૂરતા પાછળનો અસલી હેતુ ધાર્મિક પ્રથા નહીં પરંતુ આર્થિક લોભ હતો. સાસરિયાઓ તેના સ્વર્ગસ્થ પતિ ચંદ્રેશની માલિકીની કોઈ પણ સંપત્તિ કે કિંમતી મિલકત પીડિતાને આપવા માંગતા ન હતા. મિલકત હડપવા અને તેને ઘરમાંથી કાઢી મૂકવા માટે જ આ કુરિવાજનો સહારો લેવાયો હતો.

ઘટના ખૂબ જ દુઃખદ, આઘાતજનક અને માનવતાને લજવનારી

અંધશ્રદ્ધા અને કુરિવાજો સામે લડતી સંસ્થા 'ભારત જન વિજ્ઞાન જાથા' તેમજ સનાતન ધર્મના સર્વોચ્ચ 'સંત સમિતિ'ના અગ્રણીઓએ આ ઘટનાને અત્યંત શરમજનક ગણાવીને દોષિતો સામે કડક કાનૂની પગલાં ભરવાની હિમાયત કરી છે. સમગ્ર મામલે વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યાએ આકરા શબ્દોમાં નિકાસ આપતા જણાવ્યું હતું કે, "રાજકોટમાં બનેલી આ ઘટના ખૂબ જ દુઃખદ, આઘાતજનક અને માનવતાને લજવનારી છે. વિજ્ઞાન જાથા આ મધ્યયુગીન બર્બરતાપૂર્ણ ઘટનાને સખત શબ્દોમાં વખોડે છે." તેમણે ઉમેર્યું કે ધર્મના ઓથા હેઠળ કે કુરિવાજોના નામે કોઈ પણ મહિલાને શારીરિક કે માનસિક યાતના આપવી એ કાયદાકીય ગુનો છે. આ કેસમાં કડક દાખલો બેસાડવો જરૂરી છે જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે.

શાસ્ત્રો ક્યારેય આવી ક્રૂરતાની મંજૂરી આપતા નથી

બીજી તરફ, સંત સમિતિના પ્રમુખ જ્યોતિર્નાથ બાબાએ પણ આ કથિત પ્રથાને સનાતન ધર્મ સાથે જોડવા સામે લાલઆંખ કરી છે. તેમણે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું કે, "સનાતન પરંપરામાં અને આ સૃષ્ટિમાં દરેક વ્યક્તિને ગૌરવભેર જીવવાનો સમાન અધિકાર છે. શાસ્ત્રો ક્યારેય આવી ક્રૂરતાની મંજૂરી આપતા નથી. ૧૪મી સદીનું માનસિક વર્તન આજે ૨૧મી સદીમાં જોવા મળી રહ્યું છે, જે ચિંતાજનક છે." જ્યોતિર્નાથ બાબાએ સરકાર અને પોલીસ પ્રશાસન પાસે માંગ કરી છે કે, વિધવા મહિલા પર અત્યાચાર કરનારા નરાધમ સાસરિયાઓને સહેજ પણ બક્ષવામાં ન આવે અને તેમને કાયદાના કડક દાયરામાં લાવીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે.

મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

આખરે સાસરિયાઓના ત્રાસથી કંટાળીને વિધવા મહિલાએ હિંમત ભેગી કરી પોલીસનો સંપર્ક સાધ્યો છે. રાજકોટ મહિલા પોલીસે આ મામલે સાસુ અને નણંદ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની તપાસ અને ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. 


આ પણ વાંચો----    Gujarat Latest News Live : અમદાવાદમાં વસ્ત્રાપુરની લાડ સોસાયટીમાં પાલતુ શ્વાને 9 વર્ષના માસૂમ પર કર્યો હુમલો

  • Follow us on: