રાજકોટના હિરાસર એરપોર્ટ પરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટથી દેશની રાજધાની દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ સાથે ટેકઓફ દરમિયાન જ એક મોટી દુર્ઘટના ઘટતા ટળી છે. વિમાન હજુ આકાશમાં ઉડાન ભરી રહ્યું હતું તે જ સમયે અચાનક પક્ષી અથડાવાની (બર્ડ હિટ) ઘટના સામે આવી હતી. આ ઘટનાને પગલે વિમાનમાં તાત્કાલિક ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે પાયલોટે ભારે સતર્કતા દાખવીને ફ્લાઇટનું હિરાસર એરપોર્ટ પર જ ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.


 ફ્લાઇટમાં કુલ 124 જેટલા મુસાફરો સવાર હતા

મળતી માહિતી મુજબ, એર ઇન્ડિયાની આ ફ્લાઇટમાં કુલ 124 જેટલા મુસાફરો સવાર હતા. વિમાન હવામાં ફંટાયું કે તુરંત જ પક્ષી એન્જિનના પંખા સાથે અથડાયું હતું, જેના કારણે એરલાઇન્સના પંખાના બ્લેડને મોટું નુકસાન પહોંચ્યું હતું. પક્ષી અથડાવાની સાથે જ પાયલોટને એન્જિનમાં ટેક્નિકલ ખામીની જાણ થઈ ગઈ હતી. સદનસીબે પાયલોટની સમયસૂચકતા અને કુશળતાના કારણે વિમાનને સુરક્ષિત રીતે રનવે પર પાછું ઉતારી લેવામાં આવ્યું હતું, જેથી મોટી હોનારત ટળી હતી અને તમામ 124 મુસાફરોનો આબાદ બચાવ થતાં એરપોર્ટ પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો.

ટેક્નિકલ ટીમ દ્વારા ફ્લાઇટનું રિપેરિંગ કામ શરૂ

આ ઘટના બાદ એર ઇન્ડિયાની ટેક્નિકલ ટીમ દ્વારા ફ્લાઇટનું રિપેરિંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. એરપોર્ટના સત્તાધીશોના જણાવ્યા અનુસાર, વિમાન સંપૂર્ણ રિપેર થઈ ગયા બાદ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન ની ખાસ ટીમ દ્વારા તેની બારીકાઈથી ચકાસણી અને તપાસ કરવામાં આવશે.

 વૈકલ્પિક વ્યવસ્થા

 ડીજીસીએની મંજૂરી બાદ એરક્રાફ્ટનું પ્રોપર ફ્લાઇટ ઇન્પેક્શન અને ટ્રાયલ લેવામાં આવશે, અને તમામ સેફ્ટી માપદંડો યોગ્ય જણાશે ત્યારબાદ જ આ વિમાનને ફરી આકાશમાં ઉડાન ભરવા માટેની લીલી ઝંડી આપવામાં આવશે. ત્યાં સુધી મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. 


આ પણ વાંચો----    Gujarat Latest News Live : રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી

  • Follow us on: