તહેવારોના સમયમાં વાહનોની ખરીદીનું ચલણ વધતું હોય છે ત્યારે જૂની કારનું બજાર પણ ખરીદદારો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ પર નાના મૌવા નજીક જૂની કારની લે-વેચ કરતા અંદાજે 40 જેટલા ડેલા આવેલા છે. દિવાળીના પર્વે આ બજારમાં રૂ. 30થી 35 કરોડ સુધીના વેપારની આશા વેપારીઓ રાખી રહ્યા છે. જોકે, આ વર્ષે વરસાદ ન થવાના કારણે બજારમાં થોડી મંદી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રભરમાંથી ખાસ કરીને તાલુકા કક્ષાના લોકો જૂની કાર ખરીદવા આવે છે.
જૂની કાર લે-વેચના વેપારી કુમારભાઈ ચૌહાણ જણાવે છે કે, તેઓ છેલ્લા 25 વર્ષથી જૂના વાહનોની લે-વેચના વ્યવસાય સાથે જોડાયેલા છે. શરૂઆતમાં ડેન્ટિંગ-પેઇન્ટિંગ અને જીપ્સી, ટુકડો તથા ફ્રન્ટી જેવી ગાડીઓમાં મોડિફ્કિેશનનું કામ કરતા હતા. શોખીન ગ્રાહકોમાં આ ગાડીઓની માગ જોઈને જૂની કારનો ડેલો શરૂ કર્યો. એક સમયે ફ્રન્ટી, વાન, ઝેન, એમ્બેસેડર, 118, ફ્યિાટ, યુનો અને લેન્સર જેવી ગાડીઓની બોલબાલા હતી. અનુભવના આધારે માત્ર એન્જિનનો અવાજ સાંભળીને પણ કારની સ્થિતિ પારખી શકે છે.
