રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં રોશનીના મહાપર્વ દીપોત્સવી પર્વમાળાનો ગુરુવારથી મંગળ પ્રારંભ થતાં જ ચોતરફ પ્રકાશ પર્વની ઉજવણીનો ઉત્સાહ છવાઈ ગયો છે. શુક્રવારે ધનતેરસે ભગવાન ધન્વંતરિનો પ્રાકટય દિવસ હોવાથી તેમનું વિષેશ પૂજન કરવામાં આવશે. સાંજે 6 વાગ્યે રેસકોર્સ રિંગ રોડ ફરતે દિવાળી કાર્નિવલનો રોશની સાથે રેસકોર્સના ગ્રાઉન્ડમાં પાંચ દિવસીય ફૂડ ફેસ્ટિવલનો આરંભ થશે. સાત વાગ્યે રેસકોર્સ સ્થિત માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આતશબાજીમાં કુલ 18 પ્રકારના અંદાજે 1051 જેટલા વિવિધ ફ્ટાકડા ફોડવામાં આવશે. શહેરીજનો આ નજારો નિહાળી શકે તે માટે બહુમાળી ભવન સામેના સ્ટેડિયમ તરફ્ના રસ્તેથી તથા વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ પાસેથી એન્ટ્રી આપવામાં આવશે. આતશબાજી સાથે લેસર શોનો પણ લોકો આનંદ ઉઠાવી શકાશે. નૂતન વર્ષ 2084ના આગમનને વધાવવા પ્રકાશ પર્વ દિપોત્સવ ઉજવવા લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. શાળા, કોલેજોમાં રજા પડી ચૂકી છે. વેકેશનના આ માહોલ વચ્ચે અનેક લોકો પ્રવાસ માટે રાજ્ય બહાર કેરળ, ગોવા, હિમાચલ પ્રદેશના ડેલહાઉસી, રાજસ્થાનના જયપુર, જેસલમેર જેવા સ્થળોએ પહોંચી ચૂક્યા છે. જ્યારે માલેતુજાર પરિવારોએ સિંગાપોર જેવા કન્ટ્રીની 'વાટ' પકડી છે. જે લોકો બહાર ફરવા જઈ શકતા નથી તેઓ ઘરે રહીને પણ તહેવારનો આનંદ શોપિંગ કરીને ઉઠાવી રહ્યા છે. લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, પરાબજાર, સદર બજાર, રૈયાનાકા ટાવર, બંગડી બજાર, ગુંદાવાડી બજાર, યાજ્ઞિક રોડ, સોની બજાર સહિતના બજારોમાં આભૂષણો, નવાં વસ્ત્રો, પગરખાં, સુશોભનની ચીજવસ્તુઓ, રંગોળી માટેના રંગો, ચિરોડી, વિવિધ પ્રકારની મીઠાઈઓ, સૂકામેવાઓ, મુખવાસ, ફટાકડા વગેરેની ખરીદી માટે લોકોનો ધસારો વધી ગયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો