હિંદુ લોકોના સૌથી મોટા તહેવાર દિવાળીને હવે ગણતરીના દિવસો બાબી છે ત્યારે વિવિધ માર્કેટોમાં ધીમેધીમે ખરીદીનો માહોલ જામતો જાય છે પણ ડ્રાયફ્રૂટ માર્કેટમાં જોઈએ તેવો માહોલ આ વર્ષે જામતો નથી.ગત વત વર્ષની સરમાખણીએ ખરીદીમાં 20 થી 30 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.કેમકે ઈરાન-અમેરિકાના યુધ્ધના કારણે ડ્રાયફ્રૂટની આવક ઓછી થઈ જતા આ સ્થિતિ સર્જાઈ છે.બીજીતરફ બજારમાં પૈસા દેતા પણ સારા માલની અછત વર્તાઈ રહી છે.
દિવાળીના ચાર-પાંચ દિવસ બાકી હોય ત્યારે મોટાભાગે બજારમાં ડ્રાયફ્રૂટમાં ઘરાકી નીકળતી હોય છે પણ આ વર્ષે સ્થિતિ કાંઈક અલગ જ જોવા મળી રહી છે.એક તો શેરબજારમાં લોકોનું રોકાણ,નાણાભીડ અને અન્ય પરિબળોને કારણે ડ્રાયફ્રૂટની માર્કેટમાં ઘરાકી જોવા મળી રહી નથી.રૈયા રોડ પર હોલસેલ ડ્રાયફ્રૂટના વેપારી હિતેશભાઈ સોલંકીએ જણાવ્યું કે હાલના સમયમાં બજારમાં ખરીદીમાં 20 થી 30 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.આમપણ અમેરિકા-ઈરાનના યુધ્ધના કારણે જળપરિવહન પ્રભાવિત થયું છે તેને કારણે ડ્રાયફ્રૂટની આવક પણ જોઈએ તેટલા પ્રમાણમાં થતી નથી અને લોકો હાલ નાણાભીડનો સામનો કરી રહ્યા હોવાથી ડ્રાયફ્રૂટની ખરીદીને લોકોને બ્રેક મારી રહ્યા છે પણ આશા છે કે દિવાળીના એકાદ-બે દિવસ પહેલા કદાચ ખરીદી નીકળવાની શકયતા વ્યકત તેમણે કરી હતી.આ વર્ષે બજારમાં પિસ્તા લાડુની નવી આઈટમ ઉમેરાઈ છે.લાંબાસમયથી બંધ થયેલ અફઘાનિ અંજીરની આવક શરૂ થઈ ગઈ છે અને તેનો પાક સારો હોય તેમ એકદમ કીંગ સાઈઝમાં અંજીર આવી રહ્યા છે.આ ઉપરાંત બજારમાં મસાલા કાજુની પણ થોડાઘણા અંશે ડિમાન્ડ જોવા મળી રહી છે. ડ્રાયફ્રૂટના ભાવ આસમાને હોવાને કારણે આ વર્ષે ગીફટ બોકસમાંથી ડ્રાયફુટનો જથ્થો ઓછો થઈ ગયો છે.એસ.પી.બદામ જે અત્યાર સુધી માર્કેટમાં જોવા મળતી ન હતી પણ હવે માર્કેટમાં નવ બદામનો જથ્થો પણ આવવા લાગ્યો છે.
