આગામી 15થી 21 ઓક્ટોબર દરમિયાન આસ્થા અને ઉમંગ સાથે દુર્ગાપૂજા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ પવિત્ર તહેવારને લઈને રાજકોટમાં વસતા બંગાળી કારીગરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ તહેવારની તૈયારીઓ પાછળ શહેરના રાજકોટમાં મૂર્તિ કલાકારો દ્વારા મે મહિનાથી શરૂઆત કરી દેવામાં આવી છે. શહેરમાં મૂળ પિૃમ બંગાળના વતની અને રાજકોટમાં છેલ્લા 53 વર્ષથી માટીની મૂર્તીઓ સાથે સંકળાયેલા પાલભાઈ વિષ્ણુએ જણાવ્યું કે, હાલ અહીં આશરે 15 જેટલા કારીગરો મૂર્તિ બનાવવાની કામગીરીમાં જોડાયા છે. કોલકતાના ગંગા કિનારેથી ગંગામાટી તથા પોરબંદરથી સફેદ માટી મંગાવીને મે મહિનાથી દિવાળી સુધી પાંચ મહિના દરમિયાન ગણેશ, વિશ્વકર્મા, નવદુર્ગા, લક્ષ્મી, કાળકા અને સરસ્વતી માતાજીની મૂર્તીઓ તૈયાર કરવામાં આવે છે. આ વર્ષે ખાસ અંબા, ખોડિયાર અને ગાયત્રિ માતાજીની પ્રતિમાઓ પણ બનાવવામાં આવી છે. ગત વર્ષની સરખામણીએ 50 ટકા ભાવવધારો થયો છે, પરંતુ ગ્રાહકોના બજેટને ધ્યાનમાં રાખીને વ્યાજબી ભાવ કરી આપવામાં આવે છે. જેથી તહેવારોની ઉજવણી ઉત્સાહપૂર્વક થઈ શકે. સોની બજારના દુર્ગાપુજાનું આયોજન કરતા પ્રદિપ દત્તાએ કહ્યું કે, રાજકોટમાં વસતા બંગાળી કારીગરો માટે તા.15 થી 21 ઓક્ટોબર સુધી દુર્ગાપૂજા ઉત્સવ ઉજવવામાં આવશે.