રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 14માં વાણિયાવાડી અને કોઠારિયા કોલોની વચ્ચે વોકળા પર બનનારા ફાયર સ્ટેશન અને કોમ્યુનિટી હોલના પ્લોટ પર આવેલા 40 વર્ષ જૂના પાંચ લીમડા સહિતના ઘટાદાર વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે. કોઠારિયા કોલોની યુવા ગ્રુપ અને માસ્તર સોસાયટીના અગ્રણીઓએ અગાઉ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆતો કરી હતી, છતાં કોઈ જ જવાબ આપવામાં આવ્યો નહોતો. સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્તો પેન્ડિંગ હોવા છતાં કોર્પોરેશનના અધિકારીઓની મિલીભગતથી કોન્ટ્રાક્ટરે આ કતલેઆમ ચલાવી હોવાનો આક્ષેપ કરાયો છે. ઘટનાની જાણ થતાં પર્યાવરણ પ્રેમીઓ સ્થળ પર દોડી ગયા હતા અને કામ અટકાવ્યું હતું. મજૂરો પરવાનગી બતાવી ન શકતા આ મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. આ ગેરકાયદે વૃક્ષ છેદનના વિરોધમાં સોમવારે સાંજે 5થી 6 વાગ્યા દરમિયાન, જે સ્થળે વૃક્ષો કપાયા છે તે જ પ્લોટ પર (વાણીયાવાડી બોલબાલા માર્ગ) અનોખી રીતે વિરોધ નોંધાવવા માટે 'બેસણા'નું આયોજન કરવામાં આવ્યું છે.
