રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજમાંથી લાશોની અદલાબદલી જેવી અક્ષમ્ય અને હૃદયદ્રાવક લાપરવાહી સામે આવ્યા બાદ પણ વહીવટી તંત્રના પેટનું પાણી હલ્યું નથી. ઘટનાના બીજા દિવસે પણ કોઈ જવાબદાર વ્યક્તિ સામે કડક કે દાખલારૂપ પગલાં ભરવાને બદલે સિવિલ અધિક્ષક માત્ર તપાસ સમિતિ રચીને મામલા પર ઢાંકપીછોડો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભવિષ્યમાં આવી ગંભીર ભૂલ ન થાય તે માટે લાશોની સોંપણી હવેથી મેડિકલ ઓફ્સિર હસ્તક થશે તેવા મોટા-મોટા નિવેદનો અધિક્ષક દ્વારા મીડિયા સમક્ષ કરવામાં આવ્યા હતા. જોકે, આ નિવેદનોની વાસ્તવિકતા ચકાસવા માટે કોલ્ડ સ્ટોરેજ ખાતે કરવામાં આવેલા 'રિયાલિટી ચેક'માં હોસ્પિટલના અંધેર તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ હતી. ઘટનાના બીજા દિવસે પણ ત્યાં પરિસ્થિતિ જૈસે થે જોવા મળી હતી; કોઈપણ જવાબદાર તબીબ કે મેડિકલ ઓફ્સિર હાજર નહોતા અને આખી વ્યવસ્થા રાબેતા મુજબ માત્ર જુનિયર કર્મચારીઓના ભરોસે જ છોડી દેવાયેલી જણાઈ હતી. અધિક્ષકના કાગળ પરના દાવાઓ અને જમીની વાસ્તવિકતા વચ્ચેનો આ મોટો વિરોધાભાસ દર્શાવે છે કે આટલી મોટી કરુણાંતિકા સર્જાયા પછી પણ સિવિલ પ્રશાસન કોઈ સબક શીખવા તૈયાર નથી. મૃતદેહ સોંપતી વખતે કાગળોની ચકાસણી, ટેગનું ક્રોસ-વેરિફ્કિેશન કે સગા-સંબંધિઓની હાજરીમાં મોઢું બતાવીને ઓળખ કરવાની પ્રાથમિક એસઓપી (SOP)નું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. કાગળ કે ટેગ જોયા વગર જ અંધાધૂંધ રીતે બોડી સોંપી દેવાનું આ ઘોર પાપ સિવિલના પાપે જ છાપરે ચડીને પોકારી રહ્યું છે.
