રાજકોટના ગોંડલ પંથકમાં ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ જવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગોંડલના નવાગામના રહેવાસી અજય રાઠોડ પોતાના 8 વર્ષીય પુત્રનો જન્મદિવસ ઉજવવા પરિવાર સાથે કાગવડ પાસેના રિસોર્ટમાં ગયા હતા, જ્યાં સ્વિમિંગ પૂલમાં ન્હાતી વખતે હાર્ટ એટેક આવતા તેમનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. પુત્રના જન્મદિને જ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કાળો કલ્પાંત છવાયો છે.


જન્મદિવસની ઉજવણી દરમિયાન સર્જાઈ દુર્ઘટના

પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલ તાલુકાના નવાગામ ખાતે રહેતા 33 વર્ષીય અજય રાઠોડના પુત્રનો 8મો જન્મદિવસ હોવાથી આખું પરિવાર કાગવડ ગામે આવેલા હેવન રિસોર્ટમાં રજા માણવા ગયું હતું. બપોરના સમયે અજયભાઈ સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડ્યા હતા. પૂલમાં ન્હાયા બાદ તે પૂલની બહાર નીકળીને બેટા હતા અને ત્યારબાદ ઉભા થયા બાદ થોડીક જ ક્ષણોમાં તેમને અચાનક હાર્ટ એટેક આવતા તેઓ પૂલના પાણીમાં જ ઢળી પડ્યા હતા. લાંબા સમય સુધી તેઓ પાણીની બહાર ન આવતા પરિવારજનોમાં ચિંતા પ્રસરી હતી અને અન્ય લોકોની મદદથી તેમને બહાર કાઢવામાં આવ્યા હતા.

તબીબોએ મૃત જાહેર કરતા શોકનું મોજું

અજયભાઈને તાત્કાલિક ગોંડલની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. એક તરફ પુત્રનો જન્મદિવસ હતો અને બીજી તરફ પિતાના મોતના સમાચાર મળતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. ગોંડલ પોલીસે અજય રાઠોડના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે અને અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નાની ઉંમરે હાર્ટ એટેકની આ ઘટનાએ પંથકમાં ચર્ચા જગાવી છે.


આ પણ વાંચો----     Gandhinagar : ‘ખાખી’ ના નામે દિલધડક ચોરી, પોલીસની ગાડીમાં આવ્યા તસ્કરો અને સેકન્ડોમાં હાથફેરો કરી ફરાર

  • Follow us on: