દિવાળી વેકેશન પૂર્ણ થવાની સાથે જ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણનો પ્રારંભ થયો છે ત્યારે રાજકોટ મહાપાલિકાના ફાયર વિભાગ દ્વારા શાળા-કોલેજો અને કોચિંગ ક્લાસિસમાં ફાયર સેફ્ટીને લઈને સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. શહેરની 399 જેટલી શૈક્ષણિક સંસ્થાઓને ગત એપ્રિલ મહિનામાં ફાયર સેફ્ટીના નિયમોના પાલન માટે નોટિસ આપવામાં આવી હતી. આઠ મહિના બાદ તેની પૂર્તતા ચકાસવા માટે શહેરનાં આઠ ફાયર સ્ટેશનની ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી છે. પ્રથમ દિવસે કુલ 39 શૈક્ષણિક સંસ્થાઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ શાળાઓ પાસે ફાયર NOC ન હોવાનુંસામે આવ્યુ છે. રાજકોટમાં વિવિધ પ્રકારની ઇમારતોને ફાયર સેફ્ટીના નિયમોના ભંગ બદલ 2,300થી વધુ નોટિસ આપવામાં આવી છે, જેમાં 399 જેટલી શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ થાય છે. ફાયર વિભાગે તમામ સાધનો કાર્યરત રાખવા અને એનઓસી મેળવવા સંચાલકોને તાકીદ કરી છે. નિયમોનું ઉલ્લંઘન જણાશે તો કાયદેસરની કાર્યવાહી ઉપરાંત સંબંધિત સંસ્થાઓ બંધ રાખવા શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવશે. કોઠારિયા ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસરના જણાવ્યા અનુસાર, વોર્ડ નં. 16, 17 અને 18માં આવેલી શૈક્ષણિક સંસ્થાઓની તપાસ હાથ ધરવામાં આવી છે. જ્ઞાનધારા વિદ્યામંદિરમાં તપાસ દરમિયાન ફાયર એનઓસી ઉપલબ્ધ હોવાનું તેમજ આગ બુઝાવવાનાં તમામ સાધનો કાર્યરત હોવાનું જણાયું હતું. જોકે, અંજલિ, સોમનાથ અને યોગી સ્કૂલ પાસે ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું હતું. ઇમ્પેક્ટના પ્રશ્નને કારણે એનઓસી મળી નથી, પરંતુ ત્યાં ફાયર સેફ્ટીની સિસ્ટમ કાર્યરત હોવાનું જાણવા મળ્યું છે.
