સોમવારથી રાજકોટ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી સહિતના સૌરાષ્ટ્રના વિવિધ નાના-મોટા શહેરોમા દૂંદાળા દેવના મહોત્સવનો ધામધૂમથી આરંભ થશે. નાના-મોટા પંડાલો અને ઘરે આંગણે વાજતેગાજતે ગણપતિદાદાની મૂર્તિના સ્થાપન બાદ ગજાનન દેવના સ્તુતિ ગાનથી રોડરસ્તા અને શેરીઓ ગૂંજવા લાગશે. ઠેરઠેર સવારસાંજ પૂજા-આરતી અને સાંસ્કૃતિ કાર્યક્રમો યજાશે.
રાજકોટ શહેરમાં આશરે 500 જેટલા મોટા પંડાલ અને 10 હજાર જેટલા શેરી-ઘરોમાં ગણપતિની સ્થાપના કરવામાં આવશે. આ વર્ષે વિવિધ મંડળો દ્વારા અવનવી આકર્ષક થીમ સાથે ભવ્ય આયોજનો કરાયા છે. દસ દિવસીય ઉત્સવ દરમિયાન રોજના હજારો કિલો પ્રસાદ વિતરણ, મહાઆરતી, કથા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. યુનિવર્સિટી રોડ, જે. કે. ચોકમાં એ.સી. ડોમમાં કાશીવિશ્વનાથ મંદિર અને બનારસ ઘાટની થીમ તૈયાર કરાઈ છે. એ વિશ આયોજક કુદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, 50 બાય 130 ફૂટના ડોમમાં એક સમયે 50 લોકો દર્શન કરી શકે એટલી કેપિસિટી છે.
