મારવાડી યુનિવર્સિટીમાં એક જ સપ્તાહમાં બે વિદ્યાર્થીઓના આપઘાતના બનાવ બાદ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને વિરોધનો વંટોળ ઊઠયો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ વિવિધ માંગણીઓ સાથે યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં મામલો ઉગ્ર બન્યો હતો. ધક્કામુક્કી અને બળપ્રયોગના આક્ષેપો વચ્ચે પાંચ કાર્યકરોને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

મારવાડી યુનિવર્સિટી ખાતે મોટી સંખ્યામાં ABVPના કાર્યકરો એકત્ર થયા હતા અને મેઈન ગેઇટથી યુનિવર્સિટીની અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન સ્થળ પર હાજર પોલીસ સ્ટાફ્ અને કાર્યકરો વચ્ચે પ્રથમ ધક્કામુક્કી થઈ હતી. ત્યારબાદ પોલીસે હળવો બળપ્રયોગ કરતાં માહોલ તંગ બની ગયો હતો. ઘટનાને પગલે યુનિવર્સિટી પરિસરમાં જંતર-મંતર જેવો માહોલ સર્જાયો હતો.

ABVP રાજકોટ શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ ઝાલાએજણાવ્યું હતું કે, એક સપ્તાહમાં બીજા વિદ્યાર્થીના આપઘાતના બનાવ બાદ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે યુનિવર્સિટીમાં જાળી લગાવવી, ડિપ્રેશનમાં હોય તેવા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવું તેમજ રેક્ટર અને સિક્યુરિટી દ્વારા આવા વિદ્યાર્થીઓ પર ધ્યાન આપી તાત્કાલિક કાઉન્સેલિંગ કરાવવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે, વિરોધ દરમિયાન પોલીસ સ્ટાફે કાર્યકરોના મોબાઈલ જપ્ત કરતાં મામલો બીચક્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા ગાળો ભાંડી બળપ્રયોગ કરવામાં આવ્યો હતો. ઘર્ષણમાં એક કાર્યકર યુવતી સહિત પાંચ કાર્યકરોને હાથ, પગ અને માથાના ભાગે ઇજા થઈ હતી. તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વિરોધ ઉગ્ર બનતા મારવાડી યુનિવર્સિટી પોલીસ છાવણીમાં ફેરવાઈ હતી. દરમિયાન ABVPના આશરે છ કાર્યકરોની પોલીસે અટકાયત કરીહતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો