રાજકોટ-જેતપુર વચ્ચે ચાલી રહેલા ફોરટ્રેક રોડના કામકાજને કારણે વાહનચાલકો અને મુસાફરોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ફોરટ્રેકનું કામ છેલ્લા અઢી વર્ષથી ગોકળગતિએ ચાલી રહ્યું હોવાથી ટ્રાફિક જામની સમસ્યા નિયમિત બની ગઈ છે. મળતી માહિતી મુજબ, ગઈકાલે રાત્રે પારડીગામથી રાજકોટ રોડ પર ટ્રાફિક જામના ગંભીર દ્રશ્યો સર્જાયા હતા. રાત્રિના સમયે વાહનોની લાંબી કતારો લાગી જતાં અંદાજે 4 થી 5 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેના કારણે અનેક વાહનચાલકોને કલાકો સુધી રસ્તા પર અટવાવું પડ્યું હતું.

ટ્રાફિકની ધીમી ગતિએ મુસાફરો ત્રાહિમામ

ફોરટ્રેકના કામમાં વિલંબ થવાનું મુખ્ય કારણ બ્રિજના બાંધકામની ધીમી ગતિ છે. રાજકોટ-જેતપુર વચ્ચે અત્યાર સુધીમાં માત્ર 5 જેટલા બ્રિજ જ શરૂ થઈ શક્યા છે. જ્યારે હાલમાં 15 જેટલા બ્રિજનું કામ અંડર કન્સ્ટ્રક્શન હોવાથી ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવે છે, જે જામનું મુખ્ય કારણ બને છે. આ કામની વર્તમાન ગતિ જોતાં, સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે આ સમગ્ર ફોરટ્રેકનું કામકાજ પૂર્ણ થતાં આગામી દોઢ વર્ષ સુધીનો સમય લાગી શકે છે. જ્યાં સુધી આ બ્રિજનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહનચાલકોએ આ પ્રકારના ટ્રાફિક જામનો સામનો કરવો પડશે, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.