નવરાત્રિ એટલે માતાજીની આરાધના સાથે રાસ-ગરબે રમવાનો ઉત્સવ. આ ઉત્સવની ખુશીઓથી દિવ્યાંગ બાળકો પણ વંચિત ન રહે તેવા હેતુથી રાજકોટમાં અન્વીક્ષિકી ફાઉન્ડેશન દ્વારા 14મા વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવદુર્ગા હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 70 જેટલાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈને ગરબે ઘૂમી નવરાત્રિને આવકારી હતી.કાર્યક્રમની શરૂઆત માતાજીની આરતીથી કરવામાં આવી હતી. ત્યારબાદ બાળકોએ એક તાળી, ટીટોડા સહિતના વિવિધ ગરબાના સ્ટેપ્સ સાથે રાસની રમઝટ બોલાવી હતી. આ આયોજનમાં કેટલાક બાળકો એવા પણ હતા, જેમને યોગ્ય રીતે ઊભા રહેવામાં મુશ્કેલી પડતી હતી. તેમ છતાં વાલીઓએ બાળકોને સહયોગ આપીને ગરબે રમવા પ્રોત્સાહિત કર્યા હતા. બાળકોના ચહેરા પરની ખુશી અને ગરબા રમવાનો ઉત્સાહ સમગ્ર વાતાવરણને આનંદમય બનાવી રહ્યો હતો.ડો. ફ્લક ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકોને ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી અને સ્પીચ થેરાપી સહિતની સેવાઓ આપવામાં આવે છે. છેલ્લા 10થી 13 વર્ષથી દિવ્યાંગ બાળકો માટે ગરબાનું આયોજન કરવામાં આવે છે. બાળકોને ખુશી આપવી અને તેમને તહેવારોની ઉજવણીમાં સહભાગી બનાવવાનો અમારો મુખ્ય હેતુ છે. નવરાત્રિ એવો ઉત્સવ છે, જેમાં દરેક બાળકને ગરબા રમવાની તક મળવી જોઈએ. આ જ ભાવના સાથે દર વર્ષે આ વિશેષ આયોજન કરવામાં આવે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો