રાજકોટના વીંછીયાના સાછીયા ગામેથી સરેઆમ હત્યાની એક સનસનાટીભરી અને લોહિયાળ ઘટના સામે આવી છે. અહીં લાંબા સમયથી ચાલી આવતી જૂની અદાવત અને મનદુઃખના કારણે એક 35 વર્ષીય યુવકની જાહેર રસ્તા પર લોખંડના પાઇપના ફટકા મારીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. સાંજના આશરે 5 વાગ્યાની આસપાસ બનેલી આ સનસનાટીભરી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અને ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
યુવકને માથાના ભાગે પાઇપના જીવલેણ ઘા ઝીંક્યા
સાછીયા ગામે રહેતા જસમતભાઈ માવજીભાઈ મકવાણા (ઉંમર આશરે 35 વર્ષ) નામના યુવકને જૂની અદાવતનો ખાર રાખીને કેટલાક શખ્સોએ જાહેર રસ્તા પર આંતર્યો હતો. આરોપીઓએ ઉશ્કેરાઈને જસમતભાઈ પર લોખંડના પાઇપ વડે તૂટી પડી, માથાના ભાગે ગંભીર અને જીવલેણ ઘા ઝીંક્યા હતા. હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં યુવકને તાત્કાલિક 108 (એમ્બ્યુલન્સ) ની મદદથી વીંછીયાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યો હતો, પરંતુ ગંભીર ઇજાઓના કારણે તેણે રસ્તામાં જ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
