રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ છેતરપિંડીના વધતા કિસ્સાઓને રોકવા માટે ગૃહવિભાગ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા ગ્રામીણ જનતાને સાયબર ક્રાઈમ પ્રત્યે જાગૃત કરવા માટે સાયબર ડાયરાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટના સુલતાનપુર ગામે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ડાયરામાં ગ્રામ્ય વિસ્તારના લોકોને ડિજિટલ છેતરપિંડીથી બચવા માટે પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ગામડાંના લોકોને માહિતગાર કરવામાં આવ્યા
ખાસ કરીને મોબાઈલમાં આવતા શંકાસ્પદ મેસેજ, ઓટીપી ફ્રોડ અને અજાણી લિંક પર ક્લિક ન કરવા જેવી બાબતો સમજાવવામાં આવી હતી. ઉપરાંત, છેતરપિંડી કરનાર વ્યક્તિઓને કઈ રીતે બ્લોક કરવા તેની પણ માહિતી અપાઈ હતી. આ સાયબર ડાયરામાં ગામના સરપંચો, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગામડાંના લોકો આધુનિક ટેકનોલોજીના શિકાર ન બને તે માટે પોલીસનો આ પ્રયાસ ખૂબ જ સરાહનીય રહ્યો છે. પોલીસ અધિકારીઓએ લોકોને અપીલ કરી હતી કે કોઈ પણ સાયબર ફ્રોડના કિસ્સામાં તુરંત હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરવો.
