રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં થયેલી મિલકત નોંધણીના વિધાનગૃહમાં સામે આવેલા સત્તાવાર આંકડા રાજ્યમાં મિલકતની માલિકી બાબતે સ્ત્રી-પુરુષ વચ્ચેની મોટી ખાઈ સ્પષ્ટ કરે છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં કુલ ૧૬,૫૨,૪૪૩ વેચાણ દસ્તાવેજો નોંધાયા છે. જેમાંથી માત્ર ૪,૬૮, ૨૦૧ દસ્તાવેજો જ મહિલાઓના નામે થયા છે.  


રાજ્યના વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં મહિલાઓના નામે મિલકત ખરીદવાના વલણમાં મોટો તફાવત

નોંધણીમાં મહિલાઓનો હિસ્સો ૨૮.૩૩ ટકા રહ્યો છે, જ્યારે ૭૧.૬૬ ટકા એટલે કે ૧૧,૮૪,૨૪૨ જેટલા દસ્તાવેજો પુરુષોના નામે નોંધાયા છે. જિલ્લાવાર વિશ્લેષણ જોતા માલૂમ પડે છે કે, રાજ્યના વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં મહિલાઓના નામે મિલકત ખરીદવાના વલણમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. વિધાનસભાની પ્રશ્નોતરીમાં સામે આવેલી વિગતોના આધારે રાજ્યમાં મહિલાઓના નામે મિલકત નોંધણીમાં બોટાદ જિલ્લો રાજ્યભરમાં મોખરે છે. ૩૧ ડિસેમ્બર-૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં બોટાદમાં થયેલા કુલ ૧૭,૦૬૧ દસ્તાવેજોમાંથી ૭,૦૩૫ એટલે કે, ૪૧.૨૩ ટકા મહિલાઓના નામે થયા છે.

વડોદરામાં મહિલાઓના નામે દસ્તાવેજ ઓછા થયા

તેવી જ રીતે આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટા ઉદેપુરમાં ૩૮.૬૩ ટકા અને ગીર સોમનાથમાં ૩૫.૦૭ ટકા દસ્તાવેજો મહિલાઓના નામે નોંધાયા છે. સૌરાષ્ટ્રના મુખ્ય કેન્દ્ર ગણાતા રાજકોટમાં પણ સ્થિતિ પ્રમાણમાં સારી છે. જ્યાં ૩૪.૬૦ ટકા નોંધણી મહિલાઓના નામે થઈ છે. મધ્ય ગુજરાતના વિકસિત ગણાતા જિલ્લાઓમાં ચિત્ર તદ્દન વિપરીત છે. આણંદ જિલ્લામાં મહિલાઓના નામે મિલકત નોંધણીનું પ્રમાણ રાજ્યમાં સૌથી ઓછું એટલે કે માત્ર ૨૦.૫૬ ટકા નોંધાયું છે. તેવી જ રીતે ભરૂચમાં ૨૧.૩૦ ટકા, ખેડામાં ૨૪.૯૦ ટકા અને વડોદરામાં ૨૫.૦૫ ટકામાં પણ મહિલાઓનો હિસ્સો રાજ્યની સરેરાશ ટકાવારી કરતા ઓછો છે.

મહેસાણામાં 28.80 ટકા મહિલા હિસ્સેદારી નોંધાઈ છે

રાજ્યના સૌથી મોટા જિલ્લા અમદાવાદની વાત કરીએ તો અહીં ૨,૯૩,૬૩૧કુલ દસ્તાવેજો સામે ૭૪,૬૧૪ એટલે કે, ૨૫.૪૧ ટકા દસ્તાવેજો જ મહિલાઓના નામે નોંધાયા છે. આ આંકડાકીય તફાવત સૂચવે છે કે સરકાર દ્વારા સ્ટેમ્પ ડયુટીમાં આપવામાં આવતી રાહતો છતાં, સામાજિક કે આર્થિક કારણોસર મિલકતની માલિકી હજુ પણ પુરુષપ્રધાન રહી છે. સુરતમાં ૨૭.૬૨ ટકા અને મહેસાણામાં ૨૮.૮૦ ટકા મહિલા હિસ્સેદારી નોંધાઈ છે.

બે વર્ષમાં મહિલા મિલકત નોંધણીમાં રૂ.792 કરોડની માફી

ગુજરાતમાં મહિલાઓના નામે મિલક્ત ખરીદવાના વલણને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા નોંધપાત્ર આર્થિક રાહતો આપવામાં આવી છે. ગૃહમાં જારી થયેલા સત્તાવાર આંકડા મુજબ, છેલ્લા બે વર્ષમાં મહિલાઓ દ્વારા ખરીદાયેલ મિલકતોના વેચાણ દસ્તાવેજોમાં કુલ રૂ.૭૯૨.૪૧ કરોડ જેટલી જંગી નોંધણી ફી માફ કરવામાં આવી છે. સરકારની આ સ્ટેમ્પ ડયુટી અને રજિસ્ટ્રેશન ફીમાં રાહતની નીતિને કારણે મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના પરિવારોમાં મિલક્તની માલિકી મહિલાઓના નામે રાખવાનું પ્રમાણ વધ્યું હોવાનો સરકાર દ્વારા દાવો કરાયો છે.


આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં ફરી વધ્યો ગરમીનો પારો, વડોદરા અને અમરેલીમાં સૌથી વધારે ગરમી નોંધાઈ


  • Follow us on: