રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન દરમિયાન વોર્ડ નંબર 12માં આવેલી સહજાનંદ હાઈસ્કૂલના મતદાન મથક પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા. મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ ચાલી રહી હતી ત્યારે અચાનક બંને પક્ષના કાર્યકરો વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. આ ઘટનાને પગલે મતદાન મથકની બહાર ઉભેલા અન્ય મતદારોમાં પણ થોડો સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.


કાર્યકરો વચ્ચે બોલી બઘડાછટી

મળતી વિગતો અનુસાર, સહજાનંદ હાઈસ્કૂલ ખાતે ભાજપના એક કાર્યકર દ્વારા મતદાનના આંકડા માંગવામાં આવ્યા હતા. આ બાબતને લઈને ત્યાં હાજર કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. સામાન્ય બોલાચાલીએ જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલો સાથે બઘડાછટી બોલી ગઈ હતી. રાજકીય પ્રતિષ્ઠાના જંગ સમાન આ ચૂંટણીમાં કાર્યકરો વચ્ચેનો આક્રોશ જાહેરમાં જોવા મળ્યો હતો.

આગેવાનોની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો

ઘટનાની જાણ થતા જ મતદાન મથક પર તૈનાત પોલીસ કાફલો અને બંને પક્ષના વરિષ્ઠ આગેવાનો તુરંત દોડી આવ્યા હતા. સ્થિતિ વધુ વણસે તે પહેલા પોલીસે દરમિયાનગીરી કરી કાર્યકરોને શાંત પાડ્યા હતા. બંને પક્ષના આગેવાનોની સમજાવટ અને પોલીસની કડક સૂચના બાદ મામલો થાળે પડ્યો હતો અને મતદાન પ્રક્રિયા ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી. હાલમાં સાવચેતીના ભાગરૂપે આ મતદાન મથક પર પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: