ગાંધીનગરમાં દૂષિત પાણી પીતા અનેક લોકો બીમાર પડયા છે. તેની અસર તળે રાજકોટમાં પણ શંકાસ્પદ ટાઈફોઈડના કેસ મળી આવતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે ફુડ વિભાગ દ્વારા શહેરના પાણીપૂરીના 40 ધંધાર્થીઓ ઉપર દરોડા પાડી વાસી અને અખાદ્ય 72 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. જ્યારે બે ચીકીના વેપારીઓને ત્યાંથી ચાર નમુના લઈ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે.
સાધુ વાસવાણી રોડ ઉપરથી ક્રિષ્ના મારવાડી પાણીપૂરીમાંથી 10 કિલો વાસી બાફેલા બટેટા, ગાયત્રી પાણીપૂરીમાંથી 4 કિલો વાસી બાફેલા બટેટા, શ્રીદેવ પાણીપૂરી અને બાલાજી પાણીપૂરીમાંથી બે-બે કિલો વાસી બાફેલા બટેટા, ભીલવાસ મેઈન રોડ ઉપર અનમોલ અમદાવાદ પાણીપૂરીમાંથી બે કિલો વાસી બાફેલા બટેટા, ગોંડલ રોડ ઉપર ક્રિષ્ના પાણીપૂરીમાંથી પાંચ લીટર વાસી પાણી, લક્ષ્મીવાડી મેઈન રોડ ઉપર હર્ષિતભાઈ પાણીપૂરીમાંથી 12 લીટર વાસી પાણી, 80 ફૂટ રોડ ઉપર ભોલેનાથ પાણીપૂરીમાંથી 3 કિલો વાસી બાફેલા બટેટા, 8 લીટર વાસી પાણી, બોલબાલા માર્ગ ઉપર શિવાભાઈ પાણીપૂરીમાંથી 20 લીટર વાસી મીઠુ પાણી, ફલેવર્ડ પાણી અને જ્ય બાલાજી પાણીપૂરીમાંથી 4 કિલો વાસી બાફેલા બટેટાનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઢેબર રોડ ઉપર રાજા પાણીપૂરી, રાધાક્રિષ્ના પાણીપૂરી, પેલેસ રોડ ઉપર ગણેશ પાણીપૂરી, ગીતામંદિર રોડ ઉપર મહાકાળી પાણીપૂરી, મિલપરા પુજારા પ્લોટ રોડ ઉપર રાધેશ્યામ દિલ્હી ચાટ & પાણીપૂરી, શેઠ હાઈસ્કુલ પાસે વિશાલ પાણીપૂરી સહિતના વેપારીઓ ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી.










