વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે, જે રાજ્યના ઔદ્યોગિક ઇતિહાસમાં એક નવું પ્રકરણ આલેખશે. બપોર બાદ પ્રધાનમંત્રી રાજકોટની મુલાકાતે પધારશે, જ્યાં તેઓ દેશની પ્રતિષ્ઠિત 'વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2026'નો ભવ્ય પ્રારંભ કરાવશે. આ સમિટ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ભારતને વિશ્વ સાથે જોડતા ગ્લોબલ ગેટવે તરીકે ઉભરી આવશે.
વૈશ્વિક ભાગીદારી અને આકર્ષણ
આ વર્ષની સમિટની વિશેષતા એ છે કે તેમાં જાપાન અને યુક્રેન જેવા મહત્વના દેશો સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે. પ્રદર્શનમાં રિલાયન્સનું 'વનતારા' અને 'એસ્સાર' જેવા દિગ્ગજ ગ્રુપના સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જે પર્યાવરણ અને આધુનિક ટેકનોલોજીના સમન્વયને રજૂ કરે છે. આ પ્રદર્શન દ્વારા ગુજરાત પોતાની વૈશ્વિક તાકાતનું પ્રદર્શન કરી રહ્યું છે.
મોટા રોકાણો અને આર્થિક ગતિ
સમિટના પ્રથમ દિવસે જ આર્થિક ક્ષેત્રે મોટા સમાચાર સામે આવ્યા છે. અંદાજે 1000 કરોડ રૂપિયાના MOU પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ રોકાણોથી રાજ્યમાં રોજગારીની નવી તકો ઉભી થશે અને સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે.
ઉદ્યોગપતિઓનો જમાવડો
રાજકોટના આંગણે દેશના 5 હજારથી વધુ ટોચના ઉદ્યોગપતિઓ અને Ceo હાજરી આપી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી આ ઉદ્યોગ સાહસિકો સાથે સીધો સંવાદ કરી 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત'ના વિઝનને વધુ મજબૂત બનાવશે. રાજકોટ જે રીતે એન્જિનિયરિંગ હબ તરીકે જાણીતું છે, ત્યાં આ પ્રકારની વૈશ્વિક સમિટ યોજાવી તે સૌરાષ્ટ્રના વિકાસ માટે માઈલસ્ટોન સાબિત થશે.
ઉદ્યોગ અને નવીનતાનો મહાસંગમ
આ સમિટમાં MSME કોંકલેવ, વેન્ડર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ અને રાઉન્ડ ટેબલ ચર્ચાઓ મુખ્ય આકર્ષણ રહેશે. આ કાર્યક્રમમાં બ્લુ ઇકોનોમી, ડેટા સેન્ટર અને હરિત વિકાસ જેવા ભાવિ વિષયો પર મંથન કરવાની સાથે જ સિરામિક, ઓટોમોબાઇલ અને મત્સ્ય ઉદ્યોગમાં રહેલી નવી તકો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત, 'નારી શક્તિ ઉદ્યોગ સંવાદ' દ્વારા મહિલા સાહસિકોને પ્રોત્સાહન અને 'રિવર્સ બાયર સેલર મીટ' દ્વારા વૈશ્વિક વેપારને વેગ આપવાનો પ્રયાસ કરાશે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધતા શહેરીજનો ઠુઠવાયા, નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું