31 ડિસેમ્બરની રાત્રે થનારી ઉજવણીને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરવામાં આવી છે. પોલીસ કમિશનરની સૂચના મુજબ, શહેરના તમામ મુખ્ય રાજમાર્ગો, એન્ટ્રી પોઈન્ટ્સ અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં પેટ્રોલિંગ દરમિયાન FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ની ટીમને પણ સાથે રાખવામાં આવી છે. આ ટીમની હાજરીથી કોઈ પણ શંકાસ્પદ નશીલા પદાર્થ કે નશો કરનાર વ્યક્તિનું સ્થળ પર જ વૈજ્ઞાનિક પદ્ધતિથી ચેકિંગ કરી શકાશે.


રાજકોટમાં હાઈટેક સુરક્ષા

રાજકોટ પોલીસે ખાસ કરીને 'ડ્રિંક એન્ડ ડ્રાઈવ' એટલે કે નશો કરીને વાહન ચલાવતા તત્વો સામે લાલ આંખ કરી છે. શહેરના વિવિધ સર્કલ અને માર્ગો પર બ્રેથ એનાલાઇઝર સાથે પોલીસની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. ઉજવણીના નામે જાહેર જનતાને હેરાનગતિ કરનારા કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કડક દંડ અને જેલની કાર્યવાહીની ચીમકી આપવામાં આવી છે. પોલીસના આ કડક વલણને કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે શાંતિપ્રિય નાગરિકોએ પોલીસની આ કામગીરીને આવકારી છે.

આ પણ વાંચો : Ahmedabad News : બાર કાઉન્સિલની વર્ષો જૂની માંગ સંતોષાઈ, કેન્દ્ર સરકાર વકીલો માટે લાવશે નવો સુરક્ષા કાયદો

  • Follow us on: