ચોમાસામાં પડેલા ભારે વરસાદના કારણે રાજકોટના બે હાઈવે, પંચાયતના 10માંથી 6 રસ્તામાં મસમોટા ગાબડા પડી જતા ભારે દેકારો બોલી ગયો હતો.
ચોમાસું પુરું થતાની સાથે રાજકોટ માર્ગ મકાન-વિભાગે તાબડતોબ હાઈવે, પંચાયતના રસ્તાના ટેન્ડર કરી યુદ્ધના ધોરણે રિપેર કર્યા છે. તેમાં રાજકોટ-ભાવનગર હાઈવે, રાજકોટ-મોરબી હાઈવે સહિતના રસ્તા 10.81 કરોડમાં રીપેર કરવામાં આવ્યા હોવાનું સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું.
ચોમાસામાં રાજકોટ-ભાવનગર હાઈવેમાં 250 જેટલા ગાબડા પડયા હતા તેને બુરવામાં 10 કરોડનો ખર્ચ થયો છે. જ્યારે રાજકોટ-મોરબી હાઈવે ગેરેન્ટી પિરિયડમાં હોવા છતાં આ હાઈવેમાં 100 જેટલા ગાબડા પડયા હતા તમામ ગાબડા બુરી દેવામાં આવ્યા છે.
રાજકોટ નજીકના મવડી-પાળ-રાવકી ગામના રસ્તામાં 20 ગાબડા 3 લાખના ખર્ચે બુરવામાં આવ્યા છે. જ્યારે ગઢડા-દરેડ-પાળ-પેઢલા રોડમાં 85 ગાબડા પડતા તેને 70 લાખના ખર્ચે બુરવામાં આવ્યા છે. તેમજ દહિસરડા-ખોડાપીપર રોડ ઉપર 45 ગાબડા પડયા હતા તેને 8 લાખના ખર્ચે બુરવામાં આવ્યા છે. જ્યારે કુવાડવા-વાંકાનેર ગેરેન્ટી પીરીયડવાળા રસ્તામાં 15 ગાબડા પડયા હોવાથી બુરી દેવામાં આવતા રોડ ચકાચક થઈ ગયો છે. આ ઉપરાંત અન્ય અડધો ડઝન રસ્તાઓ અતિ બિસ્માર થઈ જતા તેઓના નવા ટેન્ડર કરવામાં આવ્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો