રાજકોટ શહેરમાં સ્માર્ટ સિટીની વાતો વચ્ચે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. શહેરના અલગ-અલગ વોર્ડમાં પીવાના પાણીમાં ગટરનું કે ગંદુ પાણી ભળવાના કારણે બેક્ટેરિયા યુક્ત દૂષિત પાણીનું વિતરણ થઈ રહ્યું છે, જેનાથી સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે.


મેયરના વોર્ડ તેમજ પૂર્વ મેયરના વોર્ડમાં જ દૂષિત પાણી

ખાસ કરીને વેલનાથપરા વિસ્તારમાં દૂષિત પાણીના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. આશ્ચર્યની વાત એ છે કે સેન્ટ્રલ ઝોન હેઠળ આવતા વર્તમાન મેયરના વોર્ડ તેમજ પૂર્વ મેયરના વોર્ડ નંબર 4 માં પણ આ જ પ્રકારે ઝેરી અને બેક્ટેરિયા જન્ય પાણી પહોંચ્યું છે.

8200થી વધુ પાણીના સેમ્પલ કલેક્ટ

સમગ્ર મામલો સામે આવ્યા બાદ મનપાની વોટર વર્ક્સ શાખા એક્શનમાં આવી હતી અને શહેરભરમાંથી 8200થી વધુ પાણીના સેમ્પલ કલેક્ટ કર્યા હતા. આ સેમ્પલની લેબોરેટરી તપાસ કરાવતા તેમાંથી ૬ જેટલા નમૂનાઓ સદંતર ફેલ જાહેર થયા છે. તંત્ર દ્વારા એવો લૂલો બચાવ કરવામાં આવી રહ્યો છે કે પીવાના પાણીની લાઈનમાં આંતરિક ભંગાણ થવાને કારણે ડ્રેનેજનું પાણી મિક્સ થઈ ગયું હતું અને પાણી દૂષિત થયું હતું.

સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ

જોકે, સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા બે મહિનામાં જ પાણીના નમૂના ફેલ થયા હોય તેવી આ બીજી ઘટના છે. રાજકોટમાં દર વર્ષે ઉનાળાની આખરી સિઝન અને ચોમાસાની શરૂઆતમાં આ સમસ્યા વિકરાળ બને છે. દર વખતે તંત્ર લાઈન ભંગાણનું બહાનું ધરીને હાથ ઊંચા કરી લે છે, પરંતુ પ્રજાના સ્વાસ્થ્યના ભોગે ચાલતી આ લાપરવાહી ક્યારે અટકશે તે મોટો સવાલ છે. હાલ તો અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક શુદ્ધ પાણી પહોંચાડવા અને લીકેજ રિપેર કરવા માટે માગ ઉઠી છે. 


આ પણ વાંચો---    Gujarat Latest News Live : બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં વાતાવરણમાં પલટો, કાળા ડિબાંગ વાદળો છવાયા

  • Follow us on: