રાજકોટવાસીઓના ફેવરિટ ફૂડ અને ખાણીપીણીની ગુણવત્તા જળવાઈ રહે તે માટે રાજકોટ મનપાનું ફૂડ ડિપાર્ટમેન્ટ એક્શન મોડમાં આવ્યું છે. તાજેતરમાં ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા શહેરના કેવડાવાડી રોડ પર આવેલા 'કૃષ્ણા ઘી ભંડાર' માંથી શુદ્ધ ગાય-ભેંસના ઘી તરીકે વેચાતા જથ્થામાંથી સરકારી ધારાધોરણ મુજબ નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલાયા હતા, જેનો સત્તાવાર રિપોર્ટ આવી ગયો છે. રિપોર્ટમાં આ ઘી ખાવાલાયક ન હોવાનું અને તેમાં અન્ય સસ્તા તેલ કે ચરબીની ભેળસેળ હોવાનું એટલે કે સેમ્પલ 'ફેઇલ' હોવાનું જાહેર થતાં જ જાગૃત નાગરિકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
સમગ્ર શહેરમાં વ્યાપક ચેકિંગ અને દરોડા
ઘીના નમૂના ફેઇલ થવાની ઘટનાને ગંભીરતાથી લઈને મનપાની ફૂડ શાખાના ઉચ્ચ અધિકારીઓની માર્ગદર્શન હેઠળ જુદી-જુદી ટીમો બનાવીને કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ અને જૂના રાજકોટના વિવિધ વિસ્તારોમાં કુલ ૧૯ જેટલા નાના-મોટા ખાદ્ય પદાર્થોના ધંધાર્થીઓ, સ્વીટ માર્ટ અને ડેરી ફાર્મ પર આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વન-ડે ચેકિંગ ઓપરેશન દરમિયાન ૧૦ મુખ્ય વ્યાપારી એકમો પર હાઇજીન (સ્વચ્છતા) અને સામગ્રીના સંગ્રહની ચકાસણી કરવામાં આવી હતી.










