રાજકોટ RTO કચેરીમાં કામકાજ અર્થે આવતા અરજદારોને હવે દિશા શોધવા માટે કોઈને પૂછવું નહીં પડે કે લાઈનોમાં ઊભા રહેવું નહીં પડે. તંત્ર દ્વારા સ્માર્ટ નેવિગેશન સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ કચેરીના ફ્લોર પર અલગ-અલગ રંગના એરો (તીર) અને સ્ટીકરો લગાવવામાં આવ્યા છે. અરજદારે માત્ર પોતાના કામ મુજબનો કલર પસંદ કરવાનો રહેશે અને તે કલરના એરોને ફોલો કરીને તેઓ સીધા જ સંબંધિત કાઉન્ટર સુધી પહોંચી શકશે.
એજન્ટ રાજનો આવશે અંત
ઘણીવાર RTOમાં આવતા અજાણ્યા અરજદારો કામ ક્યાં કરાવવું તેની મુંઝવણમાં એજન્ટોનો સહારો લેતા હોય છે, જેના કારણે તેમને વધારાના નાણાં ખર્ચવા પડતા હોય છે. આ નવી કલર કોડેડ સિસ્ટમનો મુખ્ય હેતુ એજન્ટ રાજ ખતમ કરવાનો છે. આધુનિક પદ્ધતિથી અરજદારો પોતે જ પોતાનું કામ સરળતાથી કરાવી શકશે, જેનાથી ભ્રષ્ટાચાર પર અંકુશ આવશે અને કામગીરીમાં પારદર્શિતા વધશે.
