રાજકોટ શહેરમાં છેતરપિંડીની વધુ એક ઘટના સામે આવી છે. ચાંદીના દાગીનાના ટ્રેડિંગના બહાને એક વેપારી સાથે વિશ્વાસ કેળવી, અંદાજે 38 કિલો ચાંદી પડાવી લેવામાં આવી છે. આશરે 55.46 લાખની આ મસમોટી છેતરપિંડી મામલે કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.
ટ્રેડિંગના બહાને ખેલાયો ખેલ
મળતી માહિતી મુજબ, ભોગ બનનાર વેપારી ભરતભાઈ ગજેરા સાથે આરોપી સંજય બારોટ નામના શખ્સે વેપારી સંબંધો બાંધ્યા હતા. શરૂઆતમાં વિશ્વાસ જીત્યા બાદ, સંજય બારોટે ચાંદીના દાગીનાના ટ્રેડિંગમાં મોટો નફો કરાવવાની લાલચ આપી હતી. આ લાલચમાં આવીને ભરતભાઈએ અલગ-અલગ સમયે કુલ 38 કિલો ચાંદીના દાગીના ટ્રેડિંગ માટે આપ્યા હતા.
વિશ્વાસ કેળવીને કરી છેતરપિંડી
લાંબો સમય વીતવા છતાં આરોપીએ ન તો નફો આપ્યો કે ન તો ચાંદી પરત કરી. જ્યારે વેપારીએ પોતાની ચાંદીની ઉઘરાણી કરી ત્યારે સંજય બારોટે ગલ્લાંતલ્લાં શરૂ કર્યા હતા. અંતે પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનું જણાતા, વેપારી ભરત ગજેરાએ કુવાડવા પોલીસનો સંપર્ક કર્યો હતો.
ફરિયાદના આધારે પોલીસ કાર્યવાહી
કુવાડવા પોલીસે ભરતભાઈની ફરિયાદના આધારે આરોપી સંજય બારોટ વિરુદ્ધ આશરે 55.46 લાખની ઠગાઈનો ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.આરોપીએ વેપારીનો વિશ્વાસ જીતીને આટલો મોટો જથ્થો પડાવ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીની ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: Ahmedabad: કાપડના વેપારીઓ સાથે 2.71 કરોડની છેતરપિંડી, માલ ખરીદી પેમેન્ટ ન ચૂકવનારા 4 વેપારીઓ સામે ફરિયાદ