રાજકોટ તાલુકાના લોઠડા ગામથી ભાયાસર તરફ જતો રસ્તો બિસ્માર થઈ ગયો છે, કારણ કે અહીં લોટ, પાણી ને લાકડા જેવા રસ્તાના કામ થયા હોવાથી ડામરમાં પણ જાણે કે કાંકરા જ ભેળવ્યા હોય એમ રસ્તાના પોપડા હાથ વડે પણ આસાનીથી ઉખડી રહ્યા છે. આ અંગે વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા મામલો સામે આવ્યો છે. આશરે 3 વર્ષ પહેલાં લોઠડાથી ભાયાસર, કાથરોટા અને સરધાર સુધીનો 16 કિલોમીટરનો ડામર રોડ જિલ્લા પંચાયત દ્વારા બનાવાયો હતો. ચાર ગામને સાંકળતા આ રોડ પર દરરોજ અનેક વાહનોની અવરજવર રહે છે. છેલ્લા કેટલાય સમયથી આ રોડની હાલત ખરાબ થઈ હોવાની લોકોમાં રાવ ઉઠી છે. એવામાં કેટલાક જાગૃત નાગરિકોએ લોઠડા પાસેના આ રોડ પર પહોંચીને રસ્તાની ચકાસણી કરી હતી અને રોડકામમાં જાણે કે ડામર ઓછો અને કાંકરા વધુ વાપરવામા આવ્યા હોય એમ ઉપરથી ડામરના પડને આસાનીથી હાથમાં પકડીને કાઢી શકાય એવી હાલત રોડની થઈ હોવાનું વીડિયોમાં બતાવ્યું હતું. અનેક રજૂઆતો પછી પણ અધિકારીઓ કે ધારાસભ્ય કે જિલ્લા પંચાયતના સભ્ય અમારી વાત સાંભળતા નથી એવું જણાવી રોષે ભરાયેલા ગામ લોકોએ આંદોલનની ચીમકી આપી છે.
